સસલા પાછળ બાઈક દોડાવી પરેશાન કરનારા બે શખ્સોને વન વિભાગે ઝડપ્યા

135

મહુવા ફોરેસ્ટ વિભાગે તપાસ કરી બાઈક ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામનાં અંતરીયાળ વિસ્તારમાં એક બાઈક પર સવાર બે શખ્સોએ સસલાં પાછળ બાઈક દોડાવી હોર્ન વગાડી પરેશાન કરતાં હોય એવો વીડિયો વ્હોટ્સએપ પર વાઈરલ થતયો હતો. જેને પગલે મહુવા વન વિભાગે સસલાને પરેશાન કરતાં બંને શખ્સોને ઝડપી તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. અવારનવાર સોશિયલ મિડિયા પર સાવજ સહિતનાં પશુઓની યેનકેન પ્રકારે પજવણી-હેરાનગતિ કરતાં વીડિયો વાઈરલ થતાં રહે છે અને આવા શખ્સો ભાગ્યે જ ઝડપાય છે. આ સિલસિલો છાશવારે પ્રકાશમાં આવતો રહે છે, ત્યારે છેલ્લા બે દિવસથી વ્હોટ્સએપ પર એક બાઈક પર બે શખ્સો રોડ વચ્ચે દોડતાં સસલાં પાછળ બાઈક ચલાવી મોટા અવાજ સાથે હોર્ન વગાડી પરેશાન કરતાં હોય એવો વીડિયો વાઈરલ થયો હતો.
આ વીડિયો ફરતો ફરતો મહુવા ફોરેસ્ટના અધિકારી રમેશ ચૌહાણ સુધી પહોંચતા તેમણે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસના આદેશો કર્યાં હતાં. જેમાં આ શખ્સો બગદાણા પંથકના હોવાનું જાણવા મળ્યું હતું, આથી ટેકનિકલ સોર્સીસની મદદ વડે ફોરેસ્ટ વિભાગની ટીમને બંને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. જેમાં આ આરોપીઓને કચેરી ખાતે લાવી બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ફોરેસ્ટર એસ.બી.ભરવાડે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માઢીયાથી બીલડી જવાના માર્ગ પર વન્ય પ્રાણી સસલાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગત તા. 7 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે વન્ય પ્રાણી સસલાની પાછળ બાઇક દોડાવી વીડિયો બનાવેલો હતો અને સસલાની પજવણીનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. જેના અંતર્ગત વન વિભાગ દ્વારા બંને શખ્સો કરણ અરજણભાઇ વાધેલા તથા કલ્પેશ હિંમતભાઇ મકવાણાને ઝડપી લઈ બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ ગુના સંદર્ભે બંને ઈસમોને પકડીને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous articleરાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા ભાવનગર જીલ્લાનાં દિવ્યાંગ વ્યક્તિઓને નિ:શુલ્ક સાધનોનું વિતરણ કરાશે
Next articleઉમરાળાના ઠોંડા ગામે સરકારી શાળાના એક ઓરડાની છત ધરાશયી