ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે જીપીસીએલ દ્વારા થઈ રહેલ જમીન સંપાદનના વિરોધમાં ૧ર ગામના ખેડૂતો દ્વારા ચલાવાય રહેલ આંદોલનના ભાગરૂપે આજે સુરકા ગામેથી રેલી કાઢી હતી અને તેમાં પ૦૦ ઉપરાંત ખેડૂતો જોડાયા હતાં. જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસ દ્વારા ખેડુતો ઉપર બેરહેમીથી લાઠી વીંઝવા ઉપરાંત ટીયરગેસના સેલ છોડતાં સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.
ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામોની જમીન સંપાદન કર્યા બાદ કોઈ કામ નહીં કર્યા પછી જીપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન કરી માઈનીંગનું કામ શરૂ કરાતા ૧ર ગામના ખેડૂતો દ્વારા વિરોધદર્શી આંદોલન કરાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે સવારે જમીન સંપાદનની કાર્યવાહી અટકાવવા અને માઈનીંગ બંધ કરાવવા ખેડૂતો દ્વારા સુરકા ગામેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પડવા સુધી પહોંચે તે પહેલા જ ખેડુતો રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. અને લાઠીચાર્જ કરવા ઉપરાંત લોકોના ટોળા વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતાં. જેના કારણે રાજયભરમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
ઘોઘા તાલુકામાં છેલ્લા દોઢેક મહિનાથી બાડી-પડવા ખાતે ખેડૂતો ગ્રામીણ મહિલાઓ, બાળકો સહિત ગ્રામજનો દ્વારા જીપીસીએલ કંપની અને સરકારી તંત્ર સામે ઉગ્ર વિરોધ કરી આંદોલન કરાઈ રહ્યું છે છતાં સરકાર દ્વારા ખેડૂતોની વ્યથા સમજવાની તસ્દી લેવામાં આવતી ન હોય જીપીસીએલના જમીન સંપાદન અને સરકારી તંત્રની મીલીભગત સામે ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. આજે રેલી દરમિયાન ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસ દ્વારા શાંતિપૂર્ણ રીતે જઈ રહેલા ખેડૂતો પર બેરહેમીથી લાઠી વીઝતાં કેટલાકને ઈજા થવા પામી હતી.
ખેડુતો પર દમન કારી પવૃત્તિને લઈને ફરી એકવાર તંત્ર સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ખેડૂતો પર આ પ્રકારે અમાનવીય અત્યાચાર કોની સુચનાથી કરાઈ રહ્યા છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે હજુ ખેડૂતો દ્વારા આંદોલન શરૂ રખાશે અને ગાંધી ચીંધ્યા માર્ગ ભુલી હવે ભગતસિંહના માર્ગે આગળ વધવામાં આવશે તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું હતું.
રાત્રીના સમયે ખેડૂતોની અટકાયત
બાડી-પડવા ગામે જમીન સંપાદન મામલે આંદોલન દરમિયાન આજે રેલી કાઢતાં પોલીસ સામે થયેલા ઘર્ષણ બાદ પોલીસે કરેલા બળપ્રયોગ અને ટીયર ગેસના છોડાયા બાદ પણ ખેડૂતો ટસના મસ ન થતાં મોડી સાંજે ખેડૂતોને અટકાયત કરી હતી જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ ફેલાવા પામ્યો છે.