મુખ્ય બજારોમાં ક્રિસમસ સંબંધિત ચીજવસ્તુઓના વેચાણમાં ઉછાળો, ક્રિસમસની મહદંશે માસ પ્રેયર કરીને ઓનલાઈન ઉજવણી થાય તેવી શકયતા
ક્ષમાના પર્વ નાતાલની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુકયુ છે. ક્રિસમસનો તહેવાર નજીક આવતા શહેરના એમ.જી.રોડ, પીરછલ્લા શેરી, વોરાબજાર તેમજ વાઘાવાડી રોડ સહિતના અનેક સ્થળોએ ઠેર-ઠેર ક્રિસમસ સંબંધિત શાંતા કેપ, ટ્રી અને ડ્રેસ સહિતની એસેસરીઝનું ધૂમ વેચાણ શરૂ થઈ ચૂકયુ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રિસમસની મહદંશે માસ પ્રેયર કરીને ઓનલાઈન ઉજવણી કરવામાં આવે તેવી શકયતા છે. કોરોનાની મહામારીના કારણે અન્ય તહેવારોની જેમ ૨૦૨૧ ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની પણ સાદાઈથી ઉજવણી કરાશે. આગામી તા.૨૫.૧૨ ને શનિવારે ગોહિલવાડના વિવિધ પંથ સાથે સંકળાયેલા ખ્રિસ્તી પરિવારો પણ ચર્ચમાં એકત્ર થવાના બદલે ચર્ચમાં ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસની ઉજવણી કરીને ગાઈડલાઈનની અમલવારી કરશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રના જે તે વિસ્તારમાં આવેલા ચર્ચમાં એકત્ર થવાના બદલે ત્યાંથી જ ફાધરના સંદેશાઓ અને નાતાલ સોંગ્સનું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મિડીયા પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને આ રીતે ધામક અને સામાજિક પરંપરા નિભાવવામાં આવશે. દર વર્ષે નાતાલનો તહેવાર નજીક આવતા ખ્રિસ્તી પરિવારોમાં ક્રિસમસની ઉજવણી અને વધામણી માટેના અનોખા અને કર્ણપ્રિય કેરોલ સોંગ્સનું ગાન ઘેર ઘેર ભાવભેર થતુ હોય છે. જેમાં કદાચ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે બ્રેક લાગે તેવી સંભાવના છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પણ ગણ્યાગાંઠયા પરિવારો દ્વારા કેરોલ સોંગ્સના આયોજન કરાશે. આ કાર્યક્રમમાં પણ કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને મર્યાદિત સંખ્યામાં જ પરિવારજનોને હાજર રાખી શકાશેેે. ટૂંક સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં નાતાલનું વેકેશન જાહેર થશે. તેમ છતાં અંગ્રેજી માધ્યમના બાળકો માટે ક્રિસમસની ઉજવણીમાં સહભાગી થવાની તક ગત વર્ષની તુલનામાં ઓછી રહેશે. ખ્રિસ્તી પરિવારો દ્વારા નાતાલની મેરી ક્રિસમસ પર શાંતા કેપ, ગોગલ્સ,ક્રિસમસ ટ્રી, પ્રાર્થના મીણબત્તીઓ, સિતારોની રોશની સ્ટાર, ઘંટારવ સહિતની અઢળક વેરાયટીઓની સ્થાનિક મુખ્ય બજારમાંથી ધૂમ ખરીદી થઈ રહી છે. કોરોનાને લઈને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હોય ૨૦૨૧ ના અંતિમ નાતાલનો તહેવાર પણ સાદગીભેર ઉજવાશે.