60થી વધુ સભ્યોએ રત્નેશ્ર્વર, બથેશ્ર્વર, ઉંચા કોટડા, ભગુડા સહિતના સ્થળોની મુલાકાત લીધી
યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા ગત તા, 19 ડિસેમ્બરના રોજ એક દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 60થી વધુ સભ્યોએ ઐતિહાસિક એવાં તળાજા-મહુવાના સાગરકાંઠે આવેલા સ્થળોએ ટ્રેકિંગ કરી પ્રાકૃતિક નિજાનંદ નો આનંદ માણવા સાથે પ્રકૃતિ પરમેશ્વર થી રૂબરૂ થયા હતા.
સાહસિક પ્રવૃત્તિઓ સાથે બાળકો યુવાનોને પ્રાકૃતિક પર્યાવાસ સ્થિત સ્થળોએ લઈ જઈ શિબિરો ટ્રેકિંગ સહિતની એક્ટિવિટી થકી પ્રકૃતિ બચાવવા અને બાળકો-યુવાનોનું શ્રેષ્ઠ ઘડતર કરતી ભાવનગરની જાણીતી સંસ્થા યુથહોસ્ટેલ દ્વારા રવિવારે તળાજા તથા મહુવા તાલુકામાં આવેલ સાગરકાંઠે ટ્રેકિંગ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સિનિયર ગૃપ લીડર તથા ટ્રેકર લક્ષ્મણભાઈ રબારી(ઉલ્વા)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 60થી વધુ સભ્યો જોડાયા હતા.
વહેલી સવારે ભાવનગરથી પ્રસ્થાન થયેલી ટીમે તળાજા-મહુવા હાઈવે પર તળાજા નજીક ફાર્મહાઉસ ધરાવતા અને યુથહોસ્ટેલના સભ્ય કિર્તિદેવસિંહ સરવૈયાના ફાર્મહાઉસે ચા-પાણી નાસ્તાનો હોલ્ટ કર્યો હતો. જ્યાં કિર્તિદેવસિંહ તથા તેની ટીમે નિ:સ્વાર્થ ભાવે તમામ ટ્રેકર્સ સભ્યો માટે ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. જ્યાંથી ટીમ ઉંચાકોટડા પહોંચી હતી અને માઁ ચામુંડાના દર્શન કરી સાગરતટે ટ્રેકિંગનો પ્રારંભ કર્યો હતો. બપોરના સમયે સભ્યો પ્રકૃતિ અવલોકન અને સાગરતટના નયનરમ્ય નઝારાને માણતાં દયાળ ગામનાં સમુદ્ર તટે ખડકોના કોતરોમાં બિરાજમાન ઐતિહાસિક એવાં રત્નેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા અને ગુફામાં મહાદેવના દર્શન કરી ધન્યતાની અનૂભૂતિ કરી હતી. ત્યારબાદ સભ્યોએ ફરી ટ્રેકિંગ શરૂ કરી ઢળતી બપોરે મહુવા તાલુકાના કળસાર ગામનાં સાગરકાંઠે બિરાજમાન બથેશ્ર્વર મહાદેવ મંદિર પહોંચી દર્શન કરી ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું. કળસાર ગામે દિગ્વિજયસિંહ વાળાએ પાણી તથા દેશી ઢાબામાં કાઠીયાવાડી ભોજનની વ્યવસ્થા ગોઠવી આપી હતી. કળસાર ગામે બપોરનું ભોજન લઈ થોડો વિરામ કરી ટીમ માઁ મોંગલના દર્શને ભગુડા પહોંચી હતી અને જ્યાં દર્શન કરી મોડી સાંજે ટીમ પરત ભાવનગર આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લક્ષ્મણભાઈ રબારી તથા સભ્યોએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.