આરઓ વેલ્યુને જોતા દેશમાં ઝડપથી ઓમિક્રોનનું સંક્રમણ પ્રસરી શકે છે એવો અણસાર આપતા નિષ્ણાતો : ઓમિક્રોનની ગતિ ખૂબ જ વધુ છે
નવી દિલ્હી, તા.૨૨
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે કોઈ વિપરિત સ્થિતિ ઉભી થઈ નથી, આમ છતાં જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા કેટલાક ભણકારા વાગી રહ્યા છે. અમેરિકામાં પાછલા અઠવાડિયે કોરોના સંક્રમણના જે કેસ આવ્યા તેમાંથી ૭૩% કેસ ઓમિક્રોનના છે, જ્યારે તેની પહેલા આ આંકડો માત્ર ૩% જ હતો. એટલે અગાઉ અહીં ૧૦ નવા કેસમાંથી માત્ર ૩ ઓમિક્રોન હતા, હવે તેની સંખ્યા ૭-૮ પર પહોંચી ગઈ છે. ભારતમાં ઓમિક્રોનના કેસ વધી ગયા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને આવતા રોકવી મુશ્કેલ છે. પરંતુ તેમણે એવો પણ દિલાસો અપાવ્યો છે કે પેનિક થવાની જરુર નથી. મહત્વનું છે કે ગુરુવારે વડાપ્રધાન મોદી મહત્વની બેઠક કરી રહ્યા છે. આગળ વધતા પહેલા એ સમજી લઈએ કે આર નોટ એટલે કે આરઓ વેલ્યુ શું છે. આ એક મેથામેટિકલ ટર્મ છે જે એ દર્શાવે છે કે કોઈ વાયરસ કેટલો વધારે ઝડપથી લોકોને સંક્રમિત કરે છે. આર નોટ એ દર્શાવે છે કે કોઈ વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ સરેરાશ કેટલાક સ્વસ્થ લોકોને બીમાર કરે છે અને પછી બીમારી સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. સાર્સ-કોવ-૨ એટલે કે કોરોના વાયરસનો આરઓ વેલ્યુ એટલે કે રિપ્રોડક્શન વેલ્યુ મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધી છે. આરઓ વેલ્યુ ૧ હોવાનો મતલબ છે કે એક દર્દી આ બીમારીને એક વ્યક્તિમાં ફેલાવી રહ્યો છે. દેશમાં હાલ સરેરાશ આરઓ વેલ્યુ ૦.૮૯ છે. મહામારી એક્સપર્ટ ડૉક્ટર ગિરિધર બાબુએ મંગળવારે એક ટિ્વટમાં જણાવ્યું કે, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ત્રિપુરા, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને નાગાલેન્ડમાં આરઓ વેલ્યુ રાષ્ટ્રીય સરેરાશ ૦.૮૯ કરતા ઊંચી છે. ૨ નવેમ્બર ખતમ થતા અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં આરઓ વેલ્યુ ૦.૭ હતી જે ધીરે-ધીરે વધીને ૦.૮૨ (૧૪ નવેમ્બર) અને ૦.૯૬ (૨૨ નવેમ્બર) પર પહોંચી છે. ૨૯ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધીના સપ્તામાં સામાન્ય ઘટાડો થયો પરંતુ તે ક્રમશઃ ૦.૯૨ અને ૦૮૫ પહોંચી ગયો છે. જોકે પાછલા બે અઠવાડિયામાં આરઓ પરી વધવા લાગ્યો છે. ૧૯ ડિસેમ્બરે તે ૧.૦૮ પર પહોંચી ગયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અઠવાડિયાના કેસ અને આરઓ વેલ્યુમાં ઉછાળ આવવાનો સંકેત એ છે કે આગામી મહિને કોરોનાનો ગ્રાફ કેવો રહેવાનો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય રાહુલ પંડિતનું કહ્યું છે કે ગભરાવાની જરુર નથી.