નવી દિલ્હી,તા.૨૪
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતવાનો રહેશે. આ મિશનને પૂરું કરવા માટે વિરાટ કોહલી જેવા બેટ્સમેનો પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. વિરાટ કોહલીની પાસે સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની સારી તક છે. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦૦ રન પૂરા કરવાથી માત્ર ૧૯૯ રન દૂર છે. ૩૩ વર્ષનો કોહલી આ સિદ્ધિ મેળવી લેશે તો તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની જશે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનિલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ ૮૦૦૦ ટેસ્ટ રન સુધી પહોંચનારા પહેલા પાંચ ભારતીય છે. કોહલી જેણે છેલ્લાં ૨ વર્ષથી એકપણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી. તેડુલકરે ૧૫૪ ઈનિંગ્સ, રાહુ દ્રવિડે ૧૫૮ ઈનિંગ્સ અને સેહવાગે ૧૬૦ ઈનિંગ્સ પછી આ સિદ્ધિ હાંસલ કરી હતી. જો તે સેન્ચુરિયનની પીચ પર ૧૯૯ કે તેનાથી વધારે રન બનાવશે તો તે ત્રીજો સૌથી ઝડપી ભારતીય બની શકે છે. કોહલી જો આ સિદ્ધિ હાંસલ કરશે તો તે ટેસ્ટમાં ૮૦૦૦ રન બનાવનારો ૩૩મો બેટ્સમેન બની જશે. કોહલીએ અત્યાર સુધી ૯૭ ટેસ્ટ મેચ રમી છે અને ૫૦.૬૫ની એવરેજથી ૭૮૦૧ રન બનાવ્યા છે. તે સ્ટીવ સ્મિથ, એલન બોર્ડર અને ગ્રીમ સ્મિથ પછી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધારે ૨૭ સદીની સાથે યાદીમાં ૧૭મા નંબરે છે. વિરાટ કોહલી ભારત તરફથી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં ચોથા નંબરે છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે પાંચ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૫૫.૮૦ની એવરેજથી ૫૫૮ રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીના બેટમાંથી ૨ સદી અને ૨ અર્ધસદી નીકળી છે. ટેસ્ટ સિરીઝમાં કોહલીની પાસે લક્ષ્મણ અને દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક રહેશે. સાઉથ આફ્રિકાની જમીન પર લક્ષ્મણે ૫૬૬ અને રાહુલ દ્રવિડે ૬૨૪ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકામાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તેંડુલકરે ૧૫ ટેસ્ટ મેચમાં ૪૬.૪૪ની એવરેજથી ૧૧૬૧ રન બનાવ્યા. બીજી બાજુ વિકેટીપર ઋષભ પંત પણ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડીને સૌથી ઝડપી ૧૦૦ ટેસ્ટ શિકાર કરનારા ભારતીય વિકેટકીપર બની શકે છે. ધોનીએ ૩૬ ટેસ્ટમાં વિકેટની પાછળ ૧૦૦ શિકાર પૂરા કર્યા હતા. પંતે પોતાના મેન્ટરના રેકોર્ડને તોડવા માટે વધુ ૩ શિકારની જરૂર છે. ધોની ૨૯૪ ટેસ્ટ શિકારની સાથે સૈયદ કિરમાણી ૧૯૮, કિરણ મોરે ૧૩૦, નયન મોંગિયા ૧૦૭ અને રિદ્ધિમાન સહા ૧૦૪થી આગળ છે. પંતે અત્યાર સુધી ૨૫ ટેસ્ટ મેચમાં ૯૭ શિકાર કર્યા છે.