પૂર્વ વડાપ્રધાન અટલજીની ૯૭મી જન્મજયંતિ, મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શ્રદ્વાંજલિ આપી

92

નવી દિલ્હી, તા.૨૫
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ૯૭મી જન્મજયંતિ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજો સદૈવ અટલ પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.આ પ્રસંગે ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આપને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ થયો હતો. તેઓ ત્રણ વખત દેશનાં વડાપ્રધાન રહી ચૂક્યા છે અને ભાજપનાં સૌથી વરિષ્ઠ-કમ-નેતાઓમાંના એક હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન. અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી.
રાજનાથ સિંહે લખ્યું કે, હું અટલજીને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેઓ એક મહાન રાષ્ટ્રવાદી હતા જેમણે એક પ્રતિષ્ઠિત વક્તા, એક અદ્ભુત કવિ, એક સક્ષમ વહીવટકર્તા અને નોંધપાત્ર સુધારાવાદી તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. ભારતનાં જાહેર જીવનમાં અટલજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં.
પૂર્વ વડાપ્રધાનને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્વાંજલિ આપી હતી, તેમણે ટ્‌વીટ કરતા લખ્યુ, અટલજીએ પોતાના વડાપ્રધાનનાં કાર્યકાળ દરમિયાન ઘણા દૂરંદેશી નિર્ણયો લઈને મજબૂત ભારતનો પાયો નાખ્યો અને સાથે જ દેશમાં સુશાસનનું વિઝન પણ બતાવ્યું. દર વર્ષે મોદી સરકાર અટલજીનાં યોગદાનને યાદ કરીને ખૂબ જ ઉત્સાહ સાથે ‘સુશાસન દિવસ’ ઉજવે છે. સૌને સુશાસન દિવસની શુભકામનાઓ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારકથી વડાપ્રધાન સુધીની સફર કરનાર અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪નાં રોજ ગ્વાલિયરમાં મોટા દિવસનાં અવસરે થયો હતો. અટલ બિહારી વાજપેયી પત્રકારત્વ કર્યા પછી રાજકારણમાં આવ્યા હતા. તેઓ ૧૯૫૧માં ભારતીય જનસંઘનાં સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ ૧૯૫૭માં ઉત્તર પ્રદેશની બલરામપુર બેઠક પરથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. ૧૯૬૨ થી ૬૮ સુધી તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાનાં સભ્ય હતા. ૧૯૬૭માં ફરી એકવાર તેઓ બલરામપુરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ ૧૯૭૧માં ગ્વાલિયરથી જીત્યા હતા. તેઓ ૧૯૭૭માં નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. ૧૯૭૭માં જ તેઓ દેશનાં વિદેશ મંત્રી બન્યા, જ્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં સંબોધન કર્યું. ૧૯૮૦માં તેઓ ફરી એકવાર પાંચમી વખત લોકસભામાં પહોંચ્યા. ભાજપની સ્થાપના ૧૯૮૦માં જ થઈ હતી અને તેઓ તેના સ્થાપક સભ્ય તેમજ પ્રથમ પ્રમુખ હતા.

Previous articleવિશ્વમાં કોરોનાની ચોથી લહેર શક્યતા છે : કેન્દ્રની ચેતવણી
Next articleભાવનગરના દેસાઈનગરથી નારી ચોકડી સુધીનો રોડનું કામ ગોકળ ગતિએ, કોંગ્રેસે હવન કરી પદાધિકારીઓ અને અધિકારીઓના નામની આહુતિ આપી વિરોધ કર્યો