પહેલી જાન્યુઆરીથી બાળકોની વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન શરૂ

92

૧૫ વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સિનની મંજૂરી : હાલમાં ભારતીય બાળકોને કોવેક્સિન લગાવવામાં આવશે, તેના બે ડોઝ માટે ૨૮ દિવસનું અંતર નક્કી કરવામાં આવ્યું
નવી દિલ્હી,તા.૨૭
કોરોના વેરિએન્ટ ઓમિક્રોનના વધતા ડર વચ્ચે હાલમાં ડીસીજીઆઈ એ કોવેક્સિનની બાળકોને અપાતી વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ૧૨થી ૧૮ વર્ષના બાળકોને આ વેક્સીન ઇમરજન્સી સ્થિતિમાં આપી શકાશે. ડીસીજીઆઈએ ભલે ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને વેક્સીનને મંજૂરી આપી છે, પરંતુ કેન્દ્ર સરકારે હાલ ૧૫ વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સીનની મંજૂરી આપી છે. આ લોકો ૧ જાન્યુઆરીથી કોવિન પોર્ટલ પર બાળકોની રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. બાળકોની રસી માટે રજીસ્ટ્રેશન કરાવવા તમારે આ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે દેશમાં ઓમિક્રોન કેસ ઝડપથી વધી રહ્યાં છે, જ્યારે તમામ નિષ્ણાંતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યાં છે. દુનિયાના બાકી દેશોમાં બાળકોનું રસીકરણ ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા, બ્રિટન સહીત અન્ય દેશોએ પહેલાથી જ આ એજ ગ્રુપના લોકોને વેક્સીન આપવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારની તૈયારી-૧ જાન્યુઆરીથી કોવિન પોર્ટલમાં બાળકોનું વેક્સીનેશન રજીસ્ટ્રેશન શરૂ થશે. આ દરમિયાન ધોરણ ૧૦ના આઈડી તરીકે વિદ્યાર્થીનું આઈ કાર્ડ જોડવામાં આવશે. ૩ જાન્યુઆરીથી બાળકોને રસી આપવાની થશે શરૂઆત. હાલમાં ભારતીય બાળકોને કોવેક્સિન લગાવવામાં આવશે. તેના બે ડોઝ માટે ૨૮ દિવસનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. પ્રિકોશનરી ડોઝ આ લોકોને મળશે-તમામ ફ્રંટલાઇન વર્કર્સ અને કોવિડ વોરિયર્સને કોવિન પર રજીસ્ટ્રેશન કરવું પડશે. પ્રિકોશનરી ડોઝ લેનારને જૂની વેક્સીન જ લાગશે. આ ડોઝ પણ ફ્રી આપવામાં આવશે. વૃદ્ધો માટે બૂસ્ટર ડોઝની વ્યવસ્થા-નવા વર્ષથી શરૂ થશે રજીસ્ટ્રેશન, પહેલાની પ્રક્રિયા યથાવત રહેશે, ત્રીજા ડોઝ માટે ૯ મહિનાનું અંતર જરૂરી. જો તમે ૬૦ વર્ષના છો અને તમે બંને ડોઝ લઈ લીધા છે તો બીજો ડોઝ અને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ માટે તમે જ્યારે રજીસ્ટર કરાવી રહ્યાં છે તેની વચ્ચેનું અંતર ૯ મહિના (૩૯ સપ્તાહ) થી વધારે છે તો તમે યોગ્ય છો. રજીસ્ટ્રેશન સાથે કોમોરડીબિટીસ સર્ટિફિકેટ આપવું પડશે. જેની સાથે જોડાયેલા ઓપ્શન પણ કોવિન પોર્ટલ પર હશે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૩૧ નવા કેસ નોંધાયા
Next article5G સેવા પહેલાં મેટ્રો અને મોટા શહેરોમાં લોન્ચ કરાશે