ભારતમાં કોરોનાના કેસમાં મોટો વધારો થવાની શક્યતા

108

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પૉલની ચેતવણી : યુનિવર્સિટી તરફથી એક કોવિડ ૧૯ ઈન્ડિયા ટ્રેકર તૈયાર કરવામાં આવ્યું છે, આ સમયગાળો ઘણો ઓછો હશે : રિસર્ચના આધારે શક્યતા વ્યક્ત કરી
વોશિંગ્ટન, તા.૨૯
દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે ફફડાટ મચી ગયો છે. તમામ દેશોની સરકારો તેના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો આ વેરિયન્ટ પર રિસર્ચ કરી રહ્યા છે અને રિસર્ચને આધારે શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં કોરોના કેસ ફરી એકવાર મોટી સંખ્યામાં વધી શકે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પૉલ આ બાબતે જણાવે છે કે, ભારતમાં થોડા દિવસ સુધી દરરોજ મોટી સંખ્યામાં કેસ નોંધાશે, પરંતુ આ સમયગાળો ઘણો ઓછો હશે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી તરફથી એક કોવિડ ૧૯ ઈન્ડિયા ટ્રેકર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોફેસર જણાવે છે કે, થોડા દિવસમાં સંક્રમણ વધવાની શરુઆત થશે. હવે દરરોજના કેસ કેટલા પ્રમાણમાં વધશે તે કહેવું હમણાં મુશ્કેલ છે. પ્રોફેસર પૉલ અને તેમની સંશોધકોની ટીમ, ઈન્ડિયા કોવિડ ટ્રેકરના ડેવલોપર્સના મત અનુસાર દેશભરમાં અત્યારે સંક્રમણ વધી રહ્યું છે. ૨૪મી ડિસેમ્બરના રોજ આ ટ્રેકર તરફથી છ રાજ્યો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કારણકે અહીં નવા કેસ વધવાનો રેટ ૫ ટકાથી વધારે હતો. ૨૬મી ડિસેમ્બરના રોજ આ યાદીમાં ૧૧ રાજ્યોનો સમાવેશ થયો. ઉલ્લેખનીય છે કે ભારતમાં બુધવારના રોજ ૯૧૯૫ કોરોનાના કેસ નોંધાયા હતા, જે પાછલા ત્રણ અઠવાડિયામાં સૌથી વધારે છે. અત્યાર સુધી ભારતમાં ૪,૮૦,૫૯૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો અત્યાર સુધી દેશભરમાં ઓમિક્રોનના ૭૮૧ કેસ નોંધાયા છે. પરંતુ કેન્દ્ર અને રાજ્યોની સરકાર આ વેરિયન્ટના સંક્રમણને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. વિવિધ રાજ્યોમાં નિયમોને સખત કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે થી ૧૫થી ૧૮ વર્ષની ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે. આ સિવાય બૂસ્ટર ડોઝને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતની રાજધાની દિલ્હીમાં સાવધાનીના ભાગરુપે સિનેમાઘરો, શાળાઓ અને જીમને બંધ કરી દેવામાં આવ્યા છે. જાહેર મેળાવડાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન આવેલી કોરોનાની બીજી લહેરમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરરોજ લાખોની સંખ્યામાં કેસ નોંધાતા હતા. હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નહોતી મળતી, અનેક લોકોએ ઓક્સિજનની કમીને કારણે જીવ ગુમાવ્યા. સ્મશાનગૃહોમાં પણ કલાકો સુધી રાહ જોવી પડતી હતી. આ સ્થિતિ પરથી સરકારોએ સબક લીધો હશે, અને ઓમિક્રોન વેરિયન્ટ ઘાતક બને તે પહેલા જ તેના માટે તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ ઈન્ડિયા ટ્રેકરે મે મહિનામાં કોરોનાની બીજી લહેર વિષે પણ આગાહી કરી હતી તે સાચી સાબિત થઈ હતી. અત્યારે રસીને કોરોના સામે લડવા માટે મહત્વનું હથિયાર માનવામાં આવે છે. લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું વગેરે પણ જરુરી છે.

Previous articleસેનિટાઇઝર છાંટી કંકોતરી મોકલો
Next articleઝારખંડમાં ૨૬ જાન્યુઆરીથી પેટ્રોલ-ડિઝલ ૨૫ રૂપિયા સસ્તું