ભક્તોએ નિરુબાપુના અનુષ્ઠાનના ફળરૂપે આ અમૂલ્ય દર્શનીય ભેટ મળ્યાનો ભાવ વ્યક્ત કર્યો
દર્શનીય દેવ સ્થાનો કે મંદિરોની અંદર સ્થાપિત કે ધરાયેલા મુખ્ય ઉપકરણો બહાર ન કાઢવાની ધાર્મિક માન્યતા બહાર સણોસરાના દાનેવ આશ્રમને મળેલી ભેટથી ભાવિકો પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા રાજસ્થાનના રામદેવરા સ્થાનક સ્થિત રામદેવજી મહારાજના મ્હોરાની ભેટ પ્રાપ્ત થઈ છે. ગોહિલવાડની દર્શનીય જગ્યા પૈકી સણોસરાના દાનેવ આશ્રમના મહંત નિરુબાપૂ સેવા પૂજા વ્રતમાં રહ્યા છે, જે માત્ર આશ્રમમાં જ 1009 દિવસના અનુષ્ઠાનમાં રહ્યા છે. આ સમય ગાળામાં આશ્રમ દરવાજા બહાર ન જઈ શરૂ રાખેલા અનુષ્ઠાનના ફળ રૂપે અમૂલ્ય દર્શનીય ભેટ રૂપે રણુંજા એટલે કે રાજસ્થાનના રામદેવરા સ્થાનકની ભેટ પ્રાપ્ત થયાનો ભાવ વ્યક્ત કરવા સાથે ભાવિકો અહીંયા મૂળ સમાધિ પર રહેલા રામદેવજી મહારાજના મહોરાની વંદના કરી અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે. મહંત નિરુબાપુએ ભાવ પૂર્ણ સ્થિતિમાં જણાવ્યું કે, આ દાનેવ આશ્રમ જેવી આપણી કેટલીક જગ્યાઓ રામદેવપીરની પરંપરા સાથે સંકળાયેલી છે, જેથી અહીંયા પણ રામદેવરા જગ્યાની કોઈ પ્રસાદી રૂપ ચીજ વસ્તુ પ્રાપ્ત થાય તેવો અમારા હૈયામાં સ્વાભાવિક ભાવ હતો. આ રીતે ત્યાંથી પ્રતિક પ્રસાદી તરીકે મુખ્ય મંદિરમાં રહેલ ઘોડા, છત્ર, ચાદર કે અન્ય એવા ઉપકરણોની ભાવ આશા સાથે મૂળ સમાધિ પર રહેલ રામદેવજી મહારાજનું મહોરું મળી જાય તેવી ભાવની હતી. તેમણે મનોમંથનમાં આવી પ્રબળ માંગણી કરતાં તેમને આ પરિણામ મળ્યું હતું. 1009 દિવસના અનુષ્ઠાનના લીધે નિરુબાપુ તો આશ્રમ બહાર પગ મુકતા નથી. જેથી એક જાણીતા વેપારીના સંપર્ક મુલાકાત બાદ આશ્રમના સેવકોને મોકલી ત્યાંના મંદિરના મુખ્ય વહીવટકર્તાઓ સુધી સંદેશો પહોંચાડાયો હતો. લાગણી અને ઈચ્છા પૂરી થાય તે અઘરી બાબત હોવા છતાં સૌએ પોતાની શ્રદ્ધા રામદેવપીરની સામે ધરી હતી. તેમજ આ નિજસમાધી સ્થાનક પર રહેલા મહોરા સાથે ઉપરનું મોટું છત્ર તેમજ ઘોડા સાથેની આ ઐતિહાસિક દર્શનીય ભેટ સેવકોને અર્પણ કરવામાં આવી હતી. આ દર્શનીય ઉપકરણોને નિરુબાપુ ગુરૂ વલકુબાપુના હસ્તે ધાર્મિક વિધિ અનુસાર લઘુમહંત પ્રવિણદાસજી મહારાજ અને સેવકોના સંકલન સાથે આશ્રમના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.