રણવીર સિંહ દર છ મહિને બદલાઈ જાય છે : દીપિકા

180

મુંબઇ, તા.૩૧
બોલિવુડ એક્ટર રણવીર સિંહ હાલ ફિલ્મ ’૮૩’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીરે પોતાના દમદાર અભિનયથી દરેકને તેના વખાણ કરવા મજબૂર કર્યા છે. આ ફિલ્મ ભલે બોક્સઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી ના કરી શકી હોય પરંતુ ચોમેરથી તેના વખાણ થઈ રહ્યા છે. ક્રિકેટરોથી લઈને બોલિવુડના કલાકારો અને સામાન્ય જનતા પણ ’૮૩’માં રણવીરની એક્ટિંગ અને ફિલ્મના નિર્દેશનના વખાણ કરી રહી છે. રણવીર સિંહ સાથે ’૮૩’માં દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. આ ફિલ્મને લઈને રણવીરે હાલમાં જ અમારા સહયોગી ઈટાઈમ્સને ઈન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં રણવીરે પત્ની દીપિકાને તેની કઈ વાતથી ફરિયાદ છે?, ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો, આગામી પ્રોજેક્ટ અને ધર્મેન્દ્ર તેમજ શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવા અંગે જણાવ્યું હતું. રણવીરને પૂછવામાં આવ્યું કે, ૧૧ વર્ષના કરિયરમાં તેણે ઘણાં અલગ-અલગ પાત્રો પડદા પર ભજવ્યા છે. આ પાત્રો ભજવવામાં અને તેમાંથી બહાર આવવામાં એક એક્ટરને કેટલી તકલીફ પડે છે? જવાબ આપતાં રણવીરે કહ્યું, “મેં યશરાજજીની ’બેન્ડ બાજા બારત’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમની સાથે કામ કરવાની તક મળતાં હું પોતાને નસીબદાર માનું છું. મેં મારા કરિયરમાં સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, કરણ જોહર, ઝોયા અખ્તર, કબીર ખાન અને શંકર સહિત ઘણાં દિગ્ગજ ડાયરેક્ટરો સાથે કામ કર્યું છે. આ તમામ ઈન્ડસ્ટ્રીના મોટા નામ છે. આ બધાની ફિલ્મોમાં મેં જુદા-જુદા રોલ કર્યા છે અને દર્શકોએ દરેક રોલ માટે પ્રેમ આપ્યો છે. આ બધા જ પાત્રો દ્વારા મને આગામી ૧૦ વર્ષ માટેની ઉર્જા અને જોશ મળ્યો છે”, તેમ રણવીરે ઉમેર્યું. રણવીરે આગળ કહ્યું, “અભિનેતા તરીકે મને આ પાત્રોની તૈયારી કરવામાં વધુ સમસ્યા નથી નડતી. મને દરેક કામમાં મજા આવે છે. હું દરેક ફિલ્મના પાત્રમાં ઢળવા માટે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરું છું અને મારા દરેક પાત્ર સાથે મારામાં વ્યક્તિગત રીતે થોડો ફેરફાર આવે છે. મારી પત્ની દીપિકા મને મીઠી ફરિયાદ કરે છે કે, તેને દર ૬-૮ મહિને મારામાં એક નવો વ્યક્તિ જોવા મળે છે. ત્યારે હું તેને મજાકમાં કહું છું કે, આ વેરાયટિ જિંદગીને મજેદાર બનાવે છે અને આનો બીજો પણ ફાયદો છે કે તું એક વ્યક્તિથી કંટાળી પણ નહીં જાય. જોકે, દીપિકા મારી સાથે ધીરજથી કામ લે છે. દરેક પાત્રને ભજવ્યા પછી તેનું એક લેયર મારામાં ચડી જાય છે અને તેને દીપિકા સમજે છે. મારા ડાયટ, બોડી લેંગ્વેજ, ટેમ્પરામેન્ટ, પ્રતિક્રિયા બધું જ બદલાય છે. ક્યારેક તો મને પણ લાગે છે કે હું હજી પણ હું કોણ છું તે શોધી રહ્યો છું.

Previous articleકુખ્યાત બુટલેગર “ભાણું” દારૂ તથા સાગરીતો સાથે ઝડપાયો
Next articleસ્મૃતિ મંધાના આઇસીસી મહિલા ટી ૨૦ ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ