ભાવનગર શહેરની 117 શાળાઓના 39 હજાર કિશોરોને અપાશે વેક્સિન
સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર શહેરમાં પણ આજે સોમવારથી 15થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે. જેમાં 5 દિવસમાં 39 હજાર વિદ્યાર્થીઓને વેક્સિનેશનથી સુરક્ષિત કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં આજે વેક્સિનેશનના પ્રારંભે વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના પરા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલ ખાતેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. તંત્રએ આપેલી માહિતી મુજબ શહેરના 13 વોર્ડમાં આવેલી તમામ સરકારી/ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પાંચ દિવસમાં જ કોવિડ રસી આપી દેવામાં આવશે. 39 હજારથી વધુ વિદ્યાર્થીઓને રસીકરણના કવચથી આરક્ષિત કરી દેવાનો લક્ષ્યાંક ધરાવતું તંત્ર પ્રથમ દિવસે 7704 વિદ્યાર્થીઓને વેક્સિનનો ડોઝ આપશે. ત્યારબાદ ક્રમશઃ બાકી રહેતા 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.
સમગ્ર દેશની સાથે ભાવનગરમાં પણ 15થી 18 વર્ષના કિશોર માટે રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં કુલ 1.30 લાખ કિશોર અને કિશોરીઓને રસી આપવામાં આવશે. જેમાં આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરના 13 વોર્ડમાં આવેલી કુલ 28 શાળામાં 7700થી વધુ કિશોરોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ ત્રીજી લહેર શરૂ થાય તેવી સંભાવના છે અને દેશ દુનિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેવા સમયે કિશોરો માટે આ રસીકરણ જરૂરી બન્યું છે. ભાવનગરમાં આરોગ્યતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈને આ રસીકરણના કામમાં જોડાયું છે. ભાવનગર શહેરની વાત કરીએ તો કુલ 157 શાળા અને કોલેજોમાં 9 જાન્યુઆરી સુધીમાં 1 લાખથી વધુ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વેક્સિનેશનના પ્રથમ દિવસે વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને શાળા સંચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વેક્સિનેશનના પ્રારંભે શહેરના પ્રથમ નાગરિક એવાં કિર્તિબેન દાણીધારીયા, આરોગ્ય ચેરમેન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સંસ્થાના આચાર્ય, શિક્ષકગણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં 100થી વધુ સ્કૂલ આવેલી છે, બીજી શાળાઓ, આઈટીઆઈ, પોલિટેક્નિકલ અને ફર્સ્ટ યરના કોલેજના વિદ્યાર્થીઓ મળી કુલ 39 હજાર જેવા બાળકો થાય છે, જેમાં આગામી 9 જાન્યુઆરી સુધીમાં 90 ટકા કરતા વધારે રસીકરણ પૂરું કરવાનો તેમનો લક્ષ્યાંક છે.