જુદા જુદા વિભાગોમાં પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની અંદર છુપાયેલી સુષુપ્ત કળાઓને પ્રદર્શિત કરી
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં સંયુક્ત ઉપક્રમે “અજવાળાનાં વારસદાર” નામક વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયાના વરદ હસ્તે દિપ પ્રાગટ્યથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 4 જાન્યુઆરીના રોજ બ્રેઇલ લિપીના શોધક લુઈ બ્રેઇલનો જન્મદિવસ હતો. 1919માં લુઈની ચાર્લ્સ બાર્બીયર સાથેની મુલાકાતનાં કારણે અંધજનો આંગળીનાં ટેરવે વાંચી શકે તેવી લિપીનું સર્જન કર્યું હતું. તેથી 2019 થી સમગ્ર વિશ્વમાં 4 જાન્યુઆરી “વિશ્વ બ્રેઇલ દિવસ” તરીકે ઉજવાય છે.
ગઈકાલે 5મી જાન્યુઆરીના રોજ જુદા-જુદા 11 ઝોનમાં 100થી વધુ પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં સંગીત ઝોનમાં પ્રજ્ઞાચક્ષુઓએ જુદા-જુદા વાદ્યો, તબલા, પેટી, મંજીરા, લોકગીત, ભજન, છંદ, દુહા, ગુજરાતી ગીત, હિન્દી ગીત, દેશભક્તિ ગીત અને જુદા-જુદા રાગ ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. “આંગળીના ટેરવે શોધી દુનિયા” ઝોનમાં માટીકામ, પાનની ઓળખ, કાગળ કામ, ટાઈપ રાઇટર પર બાળકો ટાઈપ કરતા જોવા મળ્યા હતા. “બંધ આંખે જોઈ ડિજિટલ દુનિયાની કમાલ” ઝોનમાં બાળકો સ્ક્રિન રીડર સોફ્ટવેરની મદદથી તમામ ઉપકરણોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ઓરબીટ ડિવાઈસ પર કામ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, માઈક્રોસોફ્ટ, એક્સેલ, માઈક્રોસોફ્ટ પાવર પોઇન્ટ, ટાઈપિંગ ટ્યુટર, નેટ સર્ફિંગ, ગેમની માહિતી વગેરેનો સામાન્ય લોકોની જેમ ઉપયોગ કરી શકે છે.
ઉપરાંત “સંકલ્પનાની અનોખી દુનિયા” ઝોનમાં વર્ટિકલ ફેર્મિંગ, હવામાંથી પાણી મેળવવું, સોલર વોટર પંપ, સ્ટ્રીટ લાઈટ, સ્પેસ શટલ, અણુરચના, માઈક્રોસ્કોપ તેમજ “અક્ષરના અજવાળાં આંગળીના ટેરવે” ઝોનમાં અંગ્રેજી-હિન્દી-ગુજરાતી બ્રેઇલ વાંચન, ટ્રેલર ફ્રેમ, એબેક્સ, ટોકિંગ, ઘડિયાળ, સહિતના સાધનોનો ઉપયોગ, “પ્રજ્ઞાની પાંખે અનેરું ઉડાન” ઝોનમાં સંસ્થાએ તેમજ બાળકોએ મેળવેલ મેડલો અને ટ્રોફીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
“દ્રષ્ટિ વિહોણા દરબારમાં આંગળીઓનો જાદુ” ઝોનમાં પ્લાસ્ટિકની દોરી દ્વારા સિંગલ ભરત, ફુલ ભરત, કરોળિયા ભરત, ડસ્ટબીન, કિચન, કાઠીની બનાવટમાં ચોરસ પગ લૂછણીયા, કુંજા સહિતની વસ્તુઓ સરળતાથી બનાવતા જોવા મળ્યા હતા. પ્રજ્ઞાચક્ષુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું રીપેરીંગ પણ કરી શકે છે, જ્યારે બહેનો માટે ખાસ ફરસાણની બનાવટ જે સામાન્ય સ્ત્રી બનાવે તેવી જ રીતે આ પ્રજ્ઞાચક્ષુઓ બનાવી શકે છે, નેત્રહીનોનું શિક્ષણ, વ્યવસાયિક તાલીમ, ગૃહ ઉદ્યોગ, હોમસાયન્સ અને સાહસિક રમતો બતાવવામાં આવી હતી. અંધ ઉદ્યોગ શાળાના લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુઓ એન્ડ્રોઈડ મોબાઈલ, કોમ્પ્યુટરનો ઉપયોગ પણ કરે છે. તે સામાન્ય મોબાઈલ જેવો જ હોય છે, જેમાં ખાલી રીડર રાખવામાં આવે છે. જેનાથી મોબાઈલનો યુઝ સહેલાઈથી કરી શકે છે, અમારો હેતુ એટલો છે કે સામાન્ય વ્યક્તિ એટલું સમજી શકે, કે પ્રજ્ઞાચક્ષુ હોવાથી જિંદગી ખતમ નથી થઈ જતી. ઘણી વખત આપણે હતાશ થઈ જઈ છે કે મારી પાસે આંખ નથી તો હવે હું જીવનમાં કંઈ નહીં કરી શકું, પણ હકિકત એવી નથી. તમારી પાસે ઘણું બધું હોય છે એને શોધવાની જરૂર હોય છે, બીજી ઇન્દ્રિયોના વિકાસથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે, એ સમાજને બતાવવાનો અમારો આ પ્રયાસ છે.