ઓમિક્રોન હવે ડેલ્ટાનું સ્થાન લઈ રહ્યો હોવાની ચેતવણી

90

વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરાઈ : ઓમિક્રોન વેરિયન્ટ સમય જતા વધારે ખતરનાક રૂપ ધારણ કરે તો આખી પરિસ્થિતિ પલટાઈ શકે છે
પુણે, તા.૧૦
કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન જોયું કે, મૂળ ઓમિક્રોન (બી.૧.૧.૫૨૯) વેરિયન્ટ બીએ.૧નો ભાઈ (સબ-લિનિયેજ એટલે કે વંશ) છે, જેનું જોર વધતા તે ડેલ્ટાનું સ્થાન લઈ રહ્યો હોવાનું જોવા મળ્યું છે. જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકોએ આ ફેરફાર મહારાષ્ટ્ર અન્ય રાજ્યના સેમ્પલમાં જોયા છે. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા હળવો હોવાનું શરુઆતના તારણોમાં કહેવામાં આવ્યું છે, આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હળવા લક્ષણો દેખાય છે જેના કારણે હાલ જેવી સ્થિતિ રહી તો હોસ્પિટલમાં ધસારો થવાની સંભાવના નહીંવત છે. જોકે, વાયરસ સમય જતા વધારે ખતરનાક રૂપ ધારણ કરે તો આખી સ્થિતિ પલટાઈ શકે છે.
આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલ દ્વારા સૂત્ર મૉડલના આધારે ત્રીજી લહેરની પીક અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે મૉડલની હાલની સ્થિતિ પ્રમાણે જાન્યુઆરીના અંતમાં ભારતમાં ત્રીજી લહેર પીક પર પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય દિલ્હીમાં દૈનિક કેસ (સાત દિવસ સરેરાશ)ની સંખ્યા ૫૦,૦૦૦-૬૦,૦૦૦૦ પહોંચવાની અને મુંબઈમાં ૩૦,૦૦૦ પર પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના બીએ.૧, બીએ.૨ અને બીએ.૩ એમ ત્રણ સબ-લિનિયેજ છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીના સિનિયર વૈજ્ઞાનિકે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, કેટલાક સિક્વન્સિંગ સેમ્પલમાં અમે જોયું કે મૂળ ઓમિક્રોન સ્ટ્રેન કરતા બીએ.૧ સબ-લિનિયેજનું પ્રભૂત્વ વધુ હતું. આમ સબ-લિનિયેજ એક જ પરિવારથી સંબંધ રાખે છે, માટે જ આ નમૂનાઓને ઓમિક્રોન સંક્રમિત મનાય છે. હવે શું ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાનું સ્થાન લઈ રહ્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ દ્વારા કેટલાક સ્પષ્ટ પરિણામો સામે આવવાની સંભાવના દેખાઈ રહી છે. હાલ, થયેલા વિવિધ રિસર્ચમાં ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા ઝડપી ફેલાતો હોવાનું સાબિત થયું છે પરંતુ તે ડેલ્ટા કરતા હળવો હોવાનું સામે આવ્યું છે. ઓમિક્રોનના દર્દીઓમાં પણ હળવા લક્ષણો દેખાય છે, જેમાં મોટાભાગના લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી નથી. આમ છતાં વાયરસને હળવાશમાં ના લેવાની સલાહ પણ ડૉક્ટરો, એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો કે જેમને રસી નથી મળી અને જેઓ ગંભીર બીમારીથી પીડાય છે અને વૃદ્ધ છે તેમના માટે વાયરસ હજુ પણ ઘાતક સાબિત થઈ શકે છે.

Previous articleયુપીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, અનેક મજૂરોનાં મોત
Next articleBMC દ્વારા 81 મિલ્કતો ટાંચમા લઈ જપ્ત કરી