ઉત્તર ભારતના સતત હિમ વર્ષાના પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ઠડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી અપાઈ છે, એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુનો ઠંડીનો કહેર
અમદાવાદ,તા.૧૧
દેશના ઉત્તરિય ભાગોમાં સતત હિમ વર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાઇ રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ૧૬મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ૧૦ ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, કચ્છના નલિયાનું તાપમાન ૬.૨ ડિગ્રી નોંધાયું છે. આ સાથે વડોદરા શહેરનું તાપમાન ૮.૯ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૯.૩ ડિગ્રી, ડીસા અને પાટણનું તાપમાન ૯.૫ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૯.૭ ડિગ્રી, ભુજનું તાપમાન ૧૦ ડિગ્રી, અમરેલી અને જૂનાગઢનું તાપમાન ૧૦.૨ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગનું માનીએ તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે આજે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. સુરત શહેરનું અધિકતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા, હવાનું દબાણ ૧૦૧૩.૨ મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના ૬ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સોમવાર આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. સાથે જ દિવસનું તાપમાન ગગડતા આખો દિવસ ઠંડા પવનથી શહેરીજનો ઠુઠવાયા હતા. આજે જે ઠંડી નોંધાઇ છે. તે છેલ્લા બે વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.