દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૩૧,૦૦૦ પર પહોંચી છે, દૈનિક પોઝિટિવિટી રેટ ૧૫.૧૩ ટકા છે, ઓમિક્રોનના કુલ કેસ ૮૯૬૧ થયા છે
નવી દિલ્હી,તા.૧૯
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. થોડા થોડા દિવસથી રોજના બે લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા છે અને ૪૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૮,૧૫૭ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે ૪૪,૮૮૯ કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૩૧,૦૦૦ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૫.૧૩ ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ ૮૯૬૧ થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન અનેIndian Statistical Institute ના રિસર્ચર્સે હાલના અનુમાનોમાં દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કોવિડ કેસ જોવા મળી શકે છે.