દેશમાં કોરોનીની ત્રીજી લહેર પીક પર, ઓમિક્રોનના કેસ વધ્યા : ઓમિક્રોનના બુધવારે નોંધાયેલા કેસ સામે એક દિવસમાં ૩.૬૩ ટકાનો વધારો થયો, ૨૩૪ દિવસના સૌથી વધુ કેસ, વધુ ૪૯૧ દર્દીઓનાં મોત
નવી દિલ્હી, તા.૨૦
કોરોના વાયરસના નવા કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્રીજી લહેર ભારતમાં ઝડપથી પીક પર પહોંચી રહી છે. આ સાથે ઓમિક્રોનના કેસની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. નવા કેસમાં વધારો થવાની સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યા છે. ૫ જાન્યુઆરીએ દેશમાં ૫૩૫ મૃત્યુ થયા બાદ આજે નોંધાયેલા કેસમાં મહિનાના બીજા નંબરના સૌથી વધુ મોત નોંધાયા છે. ત્રીજી લહેર દરમિયાન પહેલીવાર કોરોનાના નવા કેસ ત્રણ લાખને પાર થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આજના આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના વધુ ૩,૧૭,૫૩૨ કેસ નોંધાયા છે. જે ૨૪૯ દિવસના સૌથી વધુ કેસ છે. ગુરુવારના નવા કેસ સાથે કોરોનાના કુલ કેસ ૩,૮૨,૧૮,૭૭૩ થઈ ગયા છે, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધીને ૯,૨૮૭ થઈ ગયા છે. નવા કેસમાં વધારો થતા એક્ટિવ કેસ ૧૯,૨૪,૦૫૧ થઈ ગયા છે અને તે ૨૩૪ દિવસના સૌથી વધુ કેસ છે, વધુ ૪૯૧ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૪,૮૭,૬૯૩ થઈ ગયા છે. મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે ઓમિક્રોનના બુધવારે નોંધાયેલા કેસ સામે એક દિવસમાં ૩.૬૩ ટકાનો વધારો થયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના દરેક પોઝિટિવ દર્દીના ઓમિક્રોન વેરિયન્ટ માટે જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી ૫.૦૩ ટકા થાય છે, જ્યારે ભારતનો કોરોના રિકવરી રેટ ૯૩.૦૯ ટકા પર પહોંચ્યો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૯૩,૦૫૧નો વધારો નોંધાયો છે. પાછલા વર્ષે ૧૫મી મેના રોજ દેશમાં ૩,૧૧,૧૭૦ કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પૂર્ણ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ થયા હતા. આ પછી ૨૮ સપ્ટેમ્બરે આંકડો ૬૦ લાખ થઈ ગયો, ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ થયો, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ થયો અને ૨૦ નવેમ્બરે કુલ કેસનો આંકડો ૯૦ લાખ પર પહોંચ્યો હતો. જે પછી ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસ ૧ કરોડને પાર થયા હતા. જે બાદ ૪ મે ૨૦૨૨ના રોજ કોરોનાના કુલ કેસ ૨ કરોડ થઈ ગયા હતા અને ૨૩ જુન ૨૦૨૨ના રોજ કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માહિતી આપી છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે ૧૯ લાખ ૩૫ હજાર ૧૮૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધીમાં કુલ ૭૦ કરોડ ૯૩ લાખ ૫૬ હજાર ૮૩૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.