પશુઓ માટે દેશની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરાઈ

90

સેનાના ૨૩ શ્વાન પર તેની ટ્રાયલ સફળ થઈ ચુકી છે, ૨૧ દિવસ બાદ શ્વાનમાં કોરોના સામે એન્ટીબોડી જોવાઈ
નવી દિલ્હી,તા.૨૦
હરિયાણાના હિસાર ખાતે આવેલી કેન્દ્રીય અશ્વ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે દેશની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. સેનાના ૨૩ શ્વાન પર તેની ટ્રાયલ સફળ થઈ ચુકી છે. વેક્સિન લાગ્યાના ૨૧ દિવસ બાદ શ્વાનમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯) સામે એન્ટીબોડી જોવા મળી હતી.શ્વાન પરની સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કના ૧૫ સિંહ પર ટ્રાયલ કરવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વેક્સિન માર્કેટમાં ઉતારીને પશુઓનું પણ વેક્સિનેશન કરી શકાશે. વેક્સિન વિકસિત કરનારી સંસ્થાના પ્રધાન વૈજ્ઞાનિક ડો. નવીન કુમારે જણાવ્યું કે, સાર્સ કોરોના વાયરસ (કોવિડ-૧૯) જાનવરોમાં શ્વાન, બિલાડી, સિંહ, ચીત્તા, દીપડા, હરણમાં મુખ્યત્વે જોવા મળે છે. થોડા મહિના પહેલા ચેન્નાઈ સ્થિત ઝૂમાં મૃત સિંહમાં કોવિડ-૧૯ વાયરસની ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેનું મોત કોવિડના ડેલ્ટા વેરિએન્ટના કારણે થયું હતું. આ કારણે તેમણે મનુષ્યમાં જોવા મળતા ડેલ્ટા વેરિએન્ટ વાયરસને લેબમાં આઈસોલેટ કર્યો અને તેનો ઉપયોગ કરીને વેક્સિન બનાવવામાં સફળતા મેળવી.

Previous articleત્રીજી લહેરમાં પહેલીવાર કેસ ત્રણ લાખને પાર
Next articleજો લોકો વળતરની અરજી ન કરે તો સામેથી તેમના સુધી પહોંચો : સુપ્રીમ