મહારાષ્ટ્રમાં ૨૪મીથી ધો.૧થી ૧૨ની શાળાઓ ખોલવા નિર્ણય

648

ત્રીજી લહેરમાં રેકોર્ડ કેસ છતાં સરકારનો નિર્ણય : શિક્ષણ વિભાગની દરખાસ્તને ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી
મુંબઈ, તા.૨૦
કોરોનાની ત્રીજી લહેરમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા બાદ હવે મહારાષ્ટ્રમાં સરકારે ૨૪ જાન્યુઆરી એટલે કે આવતા સોમવારથી કોવિડ પ્રોટોકોલ્સ સાથે ધોરણ ૧-૧૨ના વર્ગો શરુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ મામલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની દરખાસ્તને સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી દીધી છે. મુંબઈની જ વાત કરીએ તો ૭ જાન્યુઆરીએ ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા બાદ નવા કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે. જાન્યુઆરીના અંત સુધીમાં ડેઈલી કેસનો આંક એક હજાર સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા છે. સ્કૂલો આવતા સોમવારથી કોરોના ગાઈડલાઈનને ફોલો કરી ઓફલાઈન વર્ગો શરુ કરી શકશે. બાળકોને સ્કૂલે મોકલતા પહેલા વાલીએ લેખિત સહમતિ આપવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા રસી લેવાને પાત્ર થતાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જ કેમ્પ શરુ કરવાની પણ દરખાસ્ત મૂકી છે. મહારાષ્ટ્રમાં આ મહિનાની શરુઆતમાં જ સ્કૂલો બંધ કરવામાં આવી હતી. તે સમયે સરકારે જાહેરાત કરી હતી કે ૧૫ ફેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે. જોકે, કેસોમાં પ્રમાણમાં ઘટાડો થતાં હવે સ્કલો ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં વાલીઓ તેમજ સ્કૂલો દ્વારા ઓફલાઈન ક્લાસ શરુ કરવા માગણી કરાઈ રહી હતી. સ્કૂલો લાંબો સમય બંધ રહેવાના કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાથી સ્કૂલોને ફરી શરુ કરવાની માગ વધી રહી હતી. મહારાષ્ટ્રમાં બુધવારે ૪૩,૬૯૭ નવા કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયા હતા, જે મંગળવાર કરતાં ૧૦ ટકા વધારે છે. મુંબઈમાં મંગળવારે ૬૧૪૯ અને બુધવારે ૬૦૩૨ કેસ નોંધાયા હતા.બુધવારે વધુ ટેસ્ટિંગ થયા હોવા છતાં ઓછા કેસ સામે આવવાને મ્સ્ઝ્રના અધિકારીઓ રાહતની વાત ગણાવી રહ્યા છે. મંગળવારે શહેરમાં ૪૫ હજાર અને બુધવારે ૬૦ હજાર ટેસ્ટ થયા હતા. શહેરમાં ત્રીજી વેવમાં જેટલા ઝડપથી કેસ વધ્યા તેટલી જ ઝડપથી તેમાં ઘટાડો આવશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. બીએમસીના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં મુંબઈમાં ડેઈલી કેસનો આંકડો ઘટીને એક હજાર સુધી પહોંચી શકે છે. જોકે, છેલ્લા પાંચ દિવસથી મુંબઈમાં ડબલ ડિજિટમાં મૃત્યુઆંક નોંધાઈ રહ્યો છે. મુંબઈમાં ૭ જાન્યુઆરીએ કોરોનાના સૌથી વધુ ૨૦,૯૭૧ કેસ નોંધાયા હતા. જેને નિષ્ણાંતો ત્રીજી વેવની પીક પણ ગણાવી રહ્યા છે. ત્યારથી કેસ સતત ઘટી રહ્યા છે. વળી, બીજી વેવમાં જોવા મળ્યું હતું કે પીક આવ્યાના એકાદ બે સપ્તાહમાં મૃત્યુઆંક વધે છે. જોકે, ત્રીજી લહેરમાં એવું જોવા નળી મળ્યું, કારણકે ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીએ ઘણો માઈલ્ડ છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો અટક્યો છે, પરંતુ કુલ આંકડો હજુય ઉંચો હોવાથી નિયંત્રણોમાં છૂટ આપી શકાય તેમ નથી. રાજ્યમાં હજુય રોજના ૪૦ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. રાજ્યમાં રોજના બે લાખથી પણ વધુ ટેસ્ટ થઈ રહ્યા છે, આ સિવાય શહેરી વિસ્તારોમાં લોકો ઘરે પણ સેલ્ફ ટેસ્ટિંગ કિટ્‌સનો ઉપયોગ કરી રહ્યા છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. ૧૮ હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ અપાયા બાદ એક્ટિવ કેસમાં મોટી કમી આવી છે.

Previous articleજો લોકો વળતરની અરજી ન કરે તો સામેથી તેમના સુધી પહોંચો : સુપ્રીમ
Next articleગમે તેટલું અંધારું કેમ ન છવાય, ભારત મૂળ સ્વભાવ છોડતો નથી. : વડાપ્રધાન