ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણીઓએ કોરોના બાબતે સરકારને આડેહાથ લીધી
ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓએ કોરોના મૃત્યુઆંક તેમજ સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને આપવામા આવતી સહાય બાબતે સરકારને આડેહાથ લીધી હતી. ધારાસભ્ય કનુ બારૈયાએ ગુજરાતમાં પશુ મરે કે કોઈ સ્વજન કોરોનાથી મૃત્યુ પામે તો તેને પણ 50 હજાર જ સહાય ચૂકવે છે તેમ કહી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કનુ બારૈયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોનાના મૃત્યુ આંક સરકાર દ્વારા છુપાવવામાં આવી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવી નથી. જે લોકોએ ફોર્મ ભર્યા છે તે તમામને પણ સહાય ચૂકવાઈ નથી. ડોક્યુમેન્ટના બહાને તેમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. સરકાર જે સહાય ચૂકવી રહી છે તે મઝાક રૂપ કહેવાય. ગુજરાતમાં પશુ મરે તો સરકાર 50 હજાર ચૂકવે છે તેવી જ રીતો જો કોઈ કોરોનાથી સ્વજન મૃત્યુ પામે તો તેને પણ 50 હજાર ચૂકવાય છે. ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો કોરોનાથી મૃત્યુ પામેલા દરેક મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ઘોઘા તાલુકાના કોંગ્રેસ અગ્રણી સંજયસિંહ માલપર સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.