લાખો મેં ભી ના મિલે, ઐસા ઘર કા ચિરાગ :- વર્ષા જાની (ઝગમગતા દીવડા )

146

દરરોજ હોસ્પિટલમાં લગભગ સાત, આઠ દર્દીઓને અને એમનાં સ્વજનોને મળવાનો સંયોગ સાંપડે છે.નાનામાં નાની વયનો દર્દી સાડાચાર વર્ષનો બાળકથી શરુ કરીને હમણાં હમણાં યુવાન વયનાં કેન્સર પીડિતો મનને હચમચાવી જાય છે…આવા કેટલાય દર્દીઓ….!
મોટાભાગના ગામડાંના હોય , સાવ ગરીબ,આવી કડકડતી ટાઢમાં પણ પહેરવા, ઓઢવાના ય ઠેકાણા ન હોય એવાય કેટલાય…!દયાજનક પરિસ્થિતિ વાળા.કાર્ડયોજનામાં ટ્રીટમેન્ટ લેવાની હોય, પણ કાર્ડનું રજીસ્ટ્રેશન શરૂ થાય એ પહેલાનાં કામ માટે પણ ઘણીવાર એની પાસે રૂપિયો રેડો ન હોય..!
આવી પરિસ્થિતિમાં એ લોકો અકળાઈ જાય, કેટલાકને તો બોર બોર જેવડા આસુંડા ખરી પડે ત્યારે હળવેથી બસ્સો,પાંચસોની નોટ એનાં તરફ સરકાવી દઈ ક્ષણિક મારાં કરમનું ભાથું સદ્ધર કરવાં,..આશ્વાસનરૂપ બનવાનો પ્રયત્ન કરું છું.તો ઘણીવાર ખૂબ જરૂરિયાત મંદ દર્દીઓને પ્રોટીન પાવડરનો ડબ્બો પણ આપી દઉં છું.. એ પણ અન્ય દર્દીઓને ખબર ન પડે એ રીતે, નહિતર બીજા ઘણાંય મફતનું લેવાની વૃત્તિથી
રોદણાં રડવા હાજર થઈ જાય!!!વસ્તુ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એ પણ ચકાસવું ખૂબ જરૂરી બની જાય છે.
આજે સાત દર્દીઓ અને એનાં સગાઓને મળવાનું થયું , એમાં એક સાવ નાનાં ગામડાની બહેનને. એનાં પતિને એક વાર કેન્સરની સર્જરી સાથે બધી ટ્રીટમેન્ટ પૂરી કરેલી છતાંય તરત જ બીજીવાર પાછું આવી ગ્યું! અને એ પણ સાવ પથારીવશ થઈ જવુ પડે એટલી હદે ફેલાઈ ગયું !
એ બહેનની દુઃખભરી કહાણી સાંભળી.એને ધરપત આપવાનો પ્રયત્ન કર્યોં.એનાં ચાર સંતાનોમાં એક દીકરો.ત્રેવીસ વરસની ઉંમરે પરણાવી દીધો.એ દીકરો સુરત હીરા ઘસવાનું કામ કરે. દિવસમાં સતત ફોનથી પિતાની તબિયતની પૃછા કર્યા કરે.. રૂપિયા મોકલ્યા કરે….
મા પાસેથી ખબર મળ્યા કે પિતાની તબિયત એકાએક લથડી ગઈ છે. કે તરત જ સુરતથી નીકળી મોડી રાત્રે ચાર વાગે ગામડે પહોંચ્યો અને બે કલાકમાં ત્યાંથી ગાડી કરીને ભાવનગર દવાખાને!
સુરતમાં પત્ની,ચાર વર્ષનો દીકરો,છ મહિનાની દીકરીને મૂકીને માનો પડ્યો બોલ ઝીલવા, પિતાને સતત હૂંફ આપવા આવી પહોંચ્યો છે, એટલું જ નહીં દીકરાની વહુએ પણ પૂરો સાથ સહકાર આપીને પોતાના બધાંજ દાગીના મોકલી આપ્યા, ને કહ્યું કે આ મારાં ઘરેણાં વેચીને પણ બાપુજીને સાજા કરજો..ઘરેણાં તો રળતા મળી રહેશે !” વાહ રે!કુલદીવડી!
” આખી દુનીયાનાં સોકરા એક કોર, ને એની હામે મારો સોકરો એકલો એક કોર.. તો ય એની હારપ ઊંચી ને ઊંચી જ ર્યે!મારો સોકરો લાખોમાં એક સે..!”
આ એ ગમાર માતાનાં આંખ માંથી બોર ટપકતાંની સાથે મુખમાંથી સરી પડેલાં એનાં શબ્દો! મેં કહ્યું બહેન, તમે ખૂબ નસીબદાર છો.
મને એવાં પુણ્ય પ્રતાપી દીકરાને મળવાનું, મનોમન દંડવત કરવાનું મન થયું એટલે એ દીકરાને પણ મેં બોલાવ્યો.એનાં દરેક વેણમાં માબાપ પ્રત્યે ભારોભાર કૃતજ્ઞ ભાવ છલકાતો હતો.ફ્ક્ત ચાર ધોરણ ભણેલો એ દીકરો માબાપ,કુટુંબ પ્રત્યેની જવાબદારીની આવી ઉત્તમ સમજ કઈ પોથીમાંથી શીખ્યો હશે!!!???
લાખોમાં પણ ન મળે આવો ઘરનો ચિરાગ! ધન્ય છે માબાપ, અને આવા પુત્રરત્ન ને!
માબાપ પોતાના સંતાનોને ભણાવી ને સદ્ધર બનાવે એટલે સ્વાર્થી બનીને ગણતરી કરતાં થઈ જાય છે! માબાપથી દૂર રહેતા સંતાનો પત્નીમય બનીને, માબાપને સાવ ભૂલી જાય છે. વર્ષો, મહિનાઓ સુધી માબાપને ફોન સુદ્ધા કરતાં હોતા નથી.મનઅંતરથી પણ દૂર થઈ જાય છે…!
ત્યારે આ ઉદાહરણ સમાજમાં ઉજળું પાસું બનીને પ્રેરણારૂપ બને તો કેવું!
.ઘરડાંઘરમાં તો ભણેલાગણેલા,સમજદાર લોકોના માતાપિતા જ હોય છે ને !!?

Previous articleકે એલ રાહુલ લોકપ્રિય લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે