૨૦ માળની ઈમારતમાં ભીષણ આગ : સાતનાં મોત

111

આ આગ બિલ્ડિંગના ૧૮મા માળ ઉપર લાગી હતી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા
મુંબઈ, તા.૨૨
દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક ૨૦ માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના ૧૮મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી હતી. મહત્વનું છે કે આગ લાગવાના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સમયે ત્યાં ૨૧ ફાયરની ગાડીઓ હાજર છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે. આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.

Previous articleએક વ્યક્તિને નામે વધુ પડતાં સિમ કાર્ડ બંધ થશે
Next articleભાવનગરમાં ફઈની છોકરીના લગ્ન પ્રસંગે આવેલા મામાના દીકરાની ૬ શખ્સોએ કરપીણ હત્યા કરી