દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ નોંધાયા

84

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે
નવી દિલ્હી,તા.૨૪
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ નોંધાયા છે અને ૪૩૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૩,૪૯૫ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે ૨૭,૬૪૯ કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૨,૪૯,૩૫૫ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨૦.૭૫ ટકા છે. દેશમાં ૨૩ જાન્યુઆરીએ ૧૪,૭૪,૭૫૩ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડના સંકેત મળ્યા છે. આઈએનએસએસીઓજીએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કામાં પહોંચી ગયો છે. પરિણામે અનેક શહેરોમાં સંક્રમણના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે, રાહતની બાબત એ છે કે દેશમાં સતત બીજા સપ્તાહે ’આર વેલ્યુ’ ઘટી છે અને દેશમાં બે સપ્તાહમાં ત્રીજી લહેરની પીક આવી જશે તેમ આઈઆઈટી મદ્રાસે દાવો કર્યો હતો. દેશમાં કોરોના વાઈરસના વિવિધ વેરિઅન્ટની તપાસ કરતી સરકારી સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એ જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ્યો છે. વધુમાં ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ ’બીએ.૨’ના કેસ પણ ભારતમાં મળી આવ્યા છે, જે આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની શકે છે. આ સંસ્થા વાઈરસ કેવી રીતે ફેલાય છે તે સમજવામાં મદદ મળી શકે તે માટે કોરોનાના વિવિધ વાઈરસની તપાસ કરે છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક શહેરો માટે આ બાબત ચિંતાજનક બની શકે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના ૨૮થી વધુ મ્યુટેશન થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટના નવા મ્યુટેશન ’સ્ટિલ્થ ઓમિક્રોન’ના કેસ ૪૦થી વધુ દેશોમાં જોવા મળ્યા છે.

Previous articleભારે હિમ વર્ષાનાં કારણે હિમાચલમાં જન જીવન અસ્તવ્યસ્ત
Next articleરસી ન લેનાર માટે ઓમિક્રોન મોટી સમસ્યા બની શકે છે