નબળા વૈશ્વિક વલણની બજાર પર અવળી અસર જોવા મળી સેન્સેક્સના તમામ ૩૦ શેરો ખોટમાં રહ્યા, બજાજ ફાઇનાન્સના શેરમાં સૌથી વધુ છ ટકાનો ઘટાડો નોંધાયો, ટાટા સ્ટીલ, વિપ્રામાં પણ મોટી ખોટ
મુંબઈ, તા.૨૪
નબળા વૈશ્વિક વલણ વચ્ચે સ્થાનિક બજારમાં ઓલઆઉટ સેલઓફને કારણે બીએસઈ સેન્સેક્સ સોમવારે ૧,૫૪૬ પોઈન્ટ ઘટીને ૫૮,૦૦૦ ની નીચે આવી ગયો હતો. વેપારીઓના મતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફ્લોએ પણ બજારના સેન્ટિમેન્ટને પ્રતિકૂળ અસર કરી હતી. બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને બપોરના વેપારમાં વેચવાલી વધુ તીવ્ર બની હતી. લગભગ તમામ સેગ્મેન્ટ મુજબના સૂચકાંકો ખોટમાં રહ્યા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧,૫૪૫.૬૭ પોઈન્ટ્સ અથવા ૨.૬૨ ટકાના ઘટાડા સાથે ૫૭,૪૯૧.૫૧ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૬૮.૦૫ પોઈન્ટ અથવા ૨.૬૬ ટકાના ઘટાડા સાથે ૧૭,૧૪૯.૧૦ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના તમામ ૩૦ શેરો ખોટમાં રહ્યા હતા. બજાજ ફાઇનાન્સના શેરમાં સૌથી વધુ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકમાં પણ મોટી ખોટ હતી. આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના ઇક્વિટી રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અન્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારો નીચા ખુલ્યા હતા. તેનું કારણ યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગ અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતા પર નજર રાખતા રોકાણકારો છે. બપોરના વેપારમાં વેચવાલી તીવ્ર બની હતી કારણ કે બંને સૂચકાંકો ગંભીર મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે ગયા હતા. વેચાણ એટલું તીવ્ર હતું કે બંને બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ ૩-૩ ટકા નીચે આવ્યા છે. સેન્ટિમેન્ટ એટલું નબળું હતું કે વેપારીઓએ ૧૪ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બેન્કના ફોરેક્સ રિઝર્વના ૨.૨૨ બિલિયન ડોલર વધીને ૬૩૪.૯૬ બિલિયન ડોલર્સના ડેટાની પણ અવગણના કરી હતી. એશિયાના અન્ય બજારોમાં, હોંગકોંગનો હેંગસેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ખોટમાં બંધ રહ્યા હતા, જ્યારે જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઊંચકાયો હતો. યુરોપના મુખ્ય બજારો બપોરના વેપારમાં ડાઉનટ્રેન્ડમાં હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૨ ટકા વધીને બેરલ દીઠ ૮૮.૧૭ ડોલર પર પહોંચી ગયું છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. શુક્રવારે તેણે રૂ. ૩,૧૪૮.૫૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૧૯ પૈસા ઘટીને ૭૪.૬૨ (પ્રોવિઝનલ) પ્રતિ ડોલર થયો હતો.