શિક્ષક નિરવ ચૌહાણે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના ઘરે, ઓનલાઈન અથવા શેરી પર જઈને શિક્ષણ પૂરું પાડ્યું
ભાવનગરના સિદસર ખાતે G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેર યોજાયો હતો. આ ઈનોવેશન ફેરમાં પ્રાથમિકના 37 માધ્યમિકના 2 શિક્ષકો મળીને કુલ 39 શિક્ષકો દ્વારા શિક્ષણક્ષેત્રમાં તેમણે કરેલાં નવતર પ્રયોગો વિશેનું પ્રદર્શન અને નિદર્શન રજૂ કરવામાં આવ્યું છે.પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ ક્ષેત્રે નવતર પ્રયોગ કરેલા શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દર વર્ષે એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજે છે. જેમાં નિરવ જી ચૌહાણ સતત છ વર્ષથી ભાગ લઈ રહ્યાં છે. નિરવભાઈ પોતાના સમય દાન અને આર્થિક ખર્ચ સાથે પોતાના ઈનોવેશન પાછળ અત્યાર સુધી 6 વર્ષમાં શાળા સમય બાદ અને વેકેશન સહિત હજારો કલાકોનું યોગદાન આપી ચૂક્યાં છે.
પોતાની શાળા અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે ઈનોવેશન પાછળ તેઓએ અત્યાર સુધી આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ તેનું ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના કરેલા કાર્યો પર એક નજર નાખીએ તો તેમણે વર્ષ 2016-17 E-Science Express ની શરૂઆત કરી હતી. ત્યારબાદ બાળકોને અભ્યાસ પ્રત્યે રસ, રુચિ ઉત્પન્ન કરવા માટે ‘STUDENT OF THE YEAR’ એવોર્ડ એ બીજું ઈનોવેશન હતું. શાળામાં સ્વચ્છતા,સર્વાંગી વિકાસ માટે ‘આદર્શ વિદ્યાર્થી’ નામનું ઈનોવેશન હાથ ધર્યું હતું. તેમણે વર્ષ: 2020-21 માં કરેલું ‘ઓનલાઈન હોમવર્ક ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની સફર’ નામનું ઈનોવેશન રાજ્ય કક્ષા(ઝોન કક્ષા) એ પણ પસંદગી પામ્યું હતું. કોરોના મહામારીમાં બાળકોનો અભ્યાસ શરુ રહે તે માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા ઈ-કન્ટેન્ટ બનાવીને ગુજરાતના તમામ બાળકો સુધી વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોતાની Youtube ચેનલ દ્વારા એનિમેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.. ‘શાળા બંધ છે, પરંતુ શિક્ષણ નહીં’ ના નામથી શિક્ષણની જ્યોત કોરોનામાં પણ પ્રજ્વલિત રાખી હતી. આ ઈનોવેશન ફેરમાં જિલ્લા કક્ષાએ સિહોર તાલુકાની મોટાસુરકા પ્રાથમિક શાળાના શિક્ષક નિરવ ચૌહાણે પોતાનું નૂતન ઈનોવેશન ‘E-Content દ્વારા Easy શિક્ષણ’ રજૂ કર્યું હતું. કોરોના કાળ દરમિયાન શાળા શિક્ષણ બંધ હતું. તે દરમિયાન મોટાસુરકા પ્રાથમિક શાળાના શિક્ષક નિરવ જી ચૌહાણે વિદ્યાર્થીઓના ઘર, ઓનલાઈન અથવા તો તેમના વિસ્તારમાં જઈને શેરી પર જઈને શિક્ષણ પૂરું પાડ્યું હતું અને આ રીતે તેમની શાળાના બાળકોનું શિક્ષણકાર્ય કોરોનામાં પણ અટક્યું ન હતું.