સરકારે રિવ્યુ કરવો જોઈએ કે, પ્રમોશનમાં અનામત દરમિયાન દલિતોને ઉચિત પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં
નવી દિલ્હી,તા.૨૮
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામતના માપદંડોમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના પહેલાના નિર્ણયમાં અનામત માટે જે માપદંડો તૈયાર કર્યા હતા તેમાં છેડછાડ ન થઈ શકે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારે સમય સમય પર એ રિવ્યુ કરવો જોઈએ કે, પ્રમોશનમાં અનામત દરમિયાન દલિતોને ઉચિત પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં. જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી ૩ જજોની બેંચે કહ્યું કે, પહેલાના નિર્ણયોમાં નિર્ધારિત અનામતની જોગવાઈઓ અને ધોરણોને હળવા નહીં કરવામાં આવે. જોકે કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય પોતપોતાની સેવાઓમાં એસસી-એસટી માટે અનામતના ગુણોત્તરમાં સમુચિત પ્રતિનિધિત્વને લઈ નિર્ધારિત સમયાવધિ પર રિવ્યુ ચોક્કસ કરશે. પ્રમોશનમાં અનામત પહેલા ઉચ્ચ પદો પર પ્રતિનિધિત્વના આંકડા એકઠા કરવા ખૂબ જરૂરી છે. આ મામલે આગામી સુનાવણી ૨૪ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારીઓ-કર્મચારીઓને પદોન્નતિમાં અનામતને લઈ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર ૨૦૨૧માં પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. અગાઉ સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, એ જીવનની સચ્ચાઈ છે કે, આઝાદીના આશરે ૭૫ વર્ષ બાદ પણ એસસી-એસટીના લોકોને આગળની જાતિઓની સમાન યોગ્યતાના સ્તરે નથી લાવી શકાયા. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, એસસી અને એસટી સાથે સંબંધિત લોકો માટે સમૂહ એ શ્રેણીની નોકરીઓમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવું વધારે કઠિન છે. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ટોચની અદાલતે ખાલી જગ્યાઓ ભરવા માટે એસસી, એસટી અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે કેટલાક નક્કર આધાર આપવા જોઈએ. ટોચની અદાલતે કહ્યું હતું કે, તે એસસી અને એસટીને પદોન્નતિમાં અનામત આપવાના પોતાના નિર્ણયને ફરી નહીં ખોલે કારણ કે, એ રાજ્યોએ નક્કી કરવાનું છે કે, તે આને કઈ રીતે લાગુ કરે છે.