કેનેડાની સરકારે છૂટછાટ જાહેર કરી : અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના ૧૮ કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો
નવી દિલ્હી, તા. ૨૯
ભારતથી ડાયરેક્ટ ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને હવે કોરોનાનો ટેસ્ટ નહીં કરાવવો પડે. ૨૮ જાન્યુઆરીથી કેનેડાએ છૂટછાટ જાહેર કરતાં આ નિયમને પડતો મૂક્યો છે. અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના ૧૮ કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો, જે નેગેટિવ હોય તો જ પેસેન્જરનું બોર્ડિંગ થઈ શકતું હતું. ભારતથી વાયા યુએઈ, યુરોપ કે અમેરિકાથી કેનેડા પહોંચતા લોકોને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ અપાઈ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પાંચ મહિનાના પ્રતિબંધ બાદ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧થી ભારત અને કેનેડા વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરુ થઈ હતી. જોકે, પેસેન્જર્સને ફ્લાઈટ પકડવાના ૧૮ કલાક પહેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત હતો. હાલ કેનેડાની ડાયરેક્ટ ફ્લાઈટ માત્ર દિલ્હીથી જ ઉપડે છે. જોકે, આગામી સમયમાં વધુ ભારતના શહેરોમાંથી કેનેડાની ફ્લાઈટ શરુ થવાની શક્યતા છે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ૨૮ જાન્યુઆરીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને મોરોક્કોથી આવનારા પેસેન્જર્સે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરુરી નથી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ પેસેન્જર્સને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ કોઈપણ દેશમાંથી કેનેડા આવતા લોકો પર લાગુ પડે છે. કેનેડાની સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સરકારે કેનેડા આવતા લોકોને એરપોર્ટ પર ઉપલબ્ધ ટેસ્ટિંગ ફેસિલિટીનું અગાઉથી બુકિંગ કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો, જેથી તેઓ આ પ્રક્રિયા જલ્દી પૂરી કરી શકે. જોકે, કેનેડાની સરકારે પોતાના નાગરિકોને જરુર ના હોય તો વિદેશ પ્રવાસ ટાળવા માટે સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર નિયંત્રણો યથાવત છે. હાલ વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટ્સ જ ઓપરેટ કરવામાં આવી રહી છે. દેશમાં હજુય ત્રીજી લહેરની અસર ચાલુ છે ત્યારે વિદેશથી આવનારા લોકો માટે એરપોર્ટ પર ટેસ્ટ કરવા ઉપરાંત ક્વોરન્ટાઈન થવાના નિયમો પણ અમલી છે. બીજી તરફ, બ્રિટને નિયમોમાં મોટાપાયે છૂટછાટ જાહેર કરી દીધી છે, જેમાં માસ્ક પહેરવામાંથી મુક્તિનો પણ સમાવેશ થાય છે.