ભાગેડૂ બિઝનેસમેન્સને સ્વદેશ પાછા આવવા દેવા જોઈએ : સુપ્રીમ કોર્ટ

76

રૂપિયા પછા આપવાની ઓફર કરે તેના પર એટલે કેટલીક કાર્યવાહીઓ પર રોક લગાવી શકાય છે
નવી દિલ્હી, તા.૨
જો ભાગેડુ બિઝનેસમેન રૂપિયા ચૂકવવા તૈયાર છે તો તેમને ભારત પાછા આવવા દેવા અને તેમની સામે ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાઓને રોકવા પર વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકારને આ સલાહ આપી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે મંગળવારે કહ્યું કે, કાયદાકીય કાર્યવાહીમાં ઘણા વર્ષ લાગશે અને એજન્સીઓ ભાગેડુ બિઝનેસમેનોને પાછા લાવવાના પોતાના પ્રયાસમાં સફળ થઈ પણ શકે છે અને ના પણ થાય. તેના પર પણ વિચાર કરી શકાય છે કે દેશમાં પાછા આવ્યા પછી તેમની ધરપકડ ન થાય.આ સૂચન હેમંત એસ હાથીની અરજી પર સુનાવણી દરમિયાન આવ્યું, જે સ્ટર્લિંગ જૂથના પ્રમોટરની સાથે બેંક લોનના માધ્યમથી કથિત રીતે ૧૪,૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરીના આરોપમાં વોન્ટેડ છે. બધા આરોપી ભારતમાંથી ભાગી ગયા છે અને વિદેશમાં રહે છે. તે ઉપરાંત ભાગેડું બિઝનેસમેન નીરવ મોદી અને વિજય માલ્યા જેવા કેટલાક અન્ય લોકો પણ છે, જે હજારો કરોડનું કૌભાંડ કે હેરાફેરી કરી કાયદાના સકંજાથી બચવા માટે ભારતમાંથી ભાગી ગયા છે. સીબીઆઈ અને ઈડી જેવી ભારતીય એજન્સીઓ તેમન પાછા લાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમને સફળતા મળી નથી.હેમંત હાથીએ રૂપિયા પાછા આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પાછા આવવા પર એજન્સી દ્વારા કેસ ચલાવવા સામે અને હેરાન કરવા સામે સુરક્ષાની માગણી કરી.
તેમણે કહ્યું કે, તેમણે કુલ ૧,૫૦૦ કરોડ રૂપિયાથી થોડા વધારે ભરવાના છે, જેમાંથી ૬૦૦ કરોડ રૂપિયા બેંકોને ચૂકવી દેવાયા છે અને ૯૦૦ કરોડ રૂપિયાની બાકી રકમ પાછી આપવાનું તેમણે આશ્વાસન આપ્યું છે. બેન્ચે એ બાબતનું પણ સમર્થન કર્યું કે, રકમ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ’તમે દુનિયાભરમાં ઘણા લોકોનો પીછો કરી રહ્યા છો પરંતુ તમે કંઈપણ મેળવી શક્યા નથી. અહીં તે રૂપિયા પછા આપવાની ઓફર કરી રહ્યા છે. એટલે કેટલીક કાર્યવાહીઓ પર રોક લગાવી શકાય છે અને તેમને પાછા આવવાની મંજૂરી આપી શકાય છે.’ સીબીઆઈ તરફથી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે, જો તેઓ પાછા આવે છે તો તેઓ ધરપકડ નહીં કરે. જોકે, તેમણે હાથીની સામેના કેસ બંધ કરવાનો અને ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલા મામલાને આગળ ન વધારવાને લઈને વાંધો વ્યક્ત કર્યો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ભાગેડુ આર્થિક ગુનેગાર પાછો આવે છે અને રૂપિયા પાછા આપે છે, તો સરકારે તેને ત્રણ મોરચે રાહત આપવા પર વિચાર કરવો જોઈએ. તેની સામે પડતર ગુનાઈત કાર્યવાહી રદ કરવી જોઈએ, તેને પોતાનો વ્યવસાય આગળ વધારવા માટે દેશભરમાં મુસાફરી કરવાની મંજૂરી મળવી જોઈએ અને ગુનાઈત મામલામાં તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવી જોઈએ.

Previous article૧૦ સપ્તાહમાં ઓમિક્રોનના વિશ્વમાં ૯ કરોડથી વધુ કેસ
Next articleMBBS ના ૧૨ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી