પતિ, સાસુ-સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી
ભાવનગર શહેરના આરટીઓ રોડપર રહેતી યુવતીએ શહેરના ઘોઘારોડ પર રહેતા NRI યુવાન સાથે 2 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે યુવાને યુવતીને પોતાની સાથે અમેરિકા લઈ જવાનું વચન આપ્યું હતું. પરંતુ બે વર્ષ બાદ યુવાને સાથે લઈ જવાની વાત તો દૂર પરંતુ પરિવાર સાથે મળી યુવતી પર અત્યાચાર આચરી તરછોડી દેતાં પરિણીતા પિતૃગૃહે પરત ફરી છે અને પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ભાવનગર મહિલા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના RTO રોડપર આવેલ મધુવન સોસાયટી પ્લોટનં-13 માં પિતૃગૃહે રહેતી કાજલ શ્યામજી ગોરાજીયાના લવ મેરેજ આજથી બે વર્ષ પૂર્વે ઘોઘારોડ મઢુલી પાન સામે આવેલ પ્લોટનં- 1298 માં રહેતા કૌશલ કિરીટ સોલંકી સાથે થયા હતા. કૌશલના આ બીજા લગ્ન હોય પત્ની કાજલ સાથે થોડો સમય રહી અમેરિકાના શિકાગો ખાતે જતો રહ્યો હતો અને પત્ની કાજલને સાસુ પ્રજ્ઞા ઉર્ફે પ્રિતી કિરીટ સોલંકી, સસરા કિરીટ હરજીવન તથા દિયર પાર્થ સાથે રહેવા જણાવ્યું હતું અને થોડા સમયમાં અમેરિકા લઈ જશે તેવું જણાવ્યું હતું. લાંબો સમય પસાર થવા છતાં પતિ અમેરિકા ન લઈ જતાં કાજલે પતિ તથા સાસરિયાઓને અમેરિકા જવા માટે કહ્યું હતું. પરંતુ પતિ સહિત સાસુ-સસરા અને દિયરે કાજલને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરે થી કાઢી મુકતા પરિણીતા પિતૃગૃહે પરત ફરી હતી અને પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.