મુંબઇ,તા.૪
ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝ ૦-૪થી હાર્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટએ ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડની ટીમનાં ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરી અને ત્યારબાદ કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. સુત્રોના જણાવ્યા અનુસાર ટીમનાં મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સે રાજીનામું આપી દીધું છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસ માટે ટીમનાં મુખ્ય કોચ તરીકે કોણ જશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. ઇસીબીના સીઇઓ ટોમ હેરિસને કહ્યું હતું કે ક્રિસ સિલ્વરવુડે તેમના કાર્યકાળ દરમિયાન ટીમને સફળ બનાવવા માટે શક્ય તેટલું બધું જ કર્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન, ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સફેદ બોલની ક્રિકેટમાં નંબર ૧ ટીમ બની હતી અને ટેસ્ટમાં, અમે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. એન્ડ્રૂ સ્ટ્રોસને આગામી દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ કોચિંગ માળખા અંગે વધુ નિર્ણય લેવામાં આવશે.ક્રિસ સિલ્વરવુડે કહ્યું, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મેં ખેલાડીઓ અને સ્ટાફ સાથે જે રીતે કામ કર્યું છે. તેના પર મને ગર્વ છે. છેલ્લા બે વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યા છે, પરંતુ મેં ટીમ સાથે મારો સમય માણ્યો છે. હવે હું મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું વિચારી રહ્યો છું. એશિઝ શ્રેણી પહેલા, ઈંગ્લેન્ડ ભારત સામે ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચાર મેચ રમાઈ છે, જ્યારે પાંચમી ટેસ્ટ આગામી પ્રવાસ પર રમવાની છે.