(ઝગમગતા દીવડા: ભાગ-૩)- વર્ષા જાની

94

કેન્સરને મહાત કરીને જિંદગીનો જંગ જીતીને આજે અન્યને પ્રેરણારૂપ બનનાર ખમીરવંતો જીગરી યુવાન એટલે ભાવનગરનો દર્શન પાઠક.
એક કેન્સર પીડિત વ્યક્તિની વ્યથા શું હોય એ એમણે બાળપણની કુમળી વયમાં જ બખૂબી જાણી છે.
જે માતાપિતાને કેટલીય બાધા, માનતા પછી સત્તર અઢાર વર્ષે પુત્રરત્નની પ્રાપ્તિ થાય, એ માબાપ દીકરાને કેટકેટલાં આછોવાના કરતાં હશે!ઘરનાં રમકડાં જેવો હસતો રમતો બાળક હજી તો જીવનના આઠમાં વરસમાં પગલું માંડે…, રમતાં રમતાં નાકમાંથી કે મોંમાંથી લોહીનાં ફુવારા છૂટવા લાગે..ને માબાપ ઊંચા જીવે દવાખાના…, હોસ્પિટલ….રિપોર્ટ્‌સ.. ને પછી તો ભાવનગરથી અમદાવાદનાં ધક્કા શરૂ કરે .!!
આખરે દીકરાને કેન્સર હોવાનું નિદાન થયું! માબાપના મોતિયા મરી ગયાં.
પછી તો સતત કીમોથેરાપી વગેરે ટ્રીટમેન્ટ શરૂ થઈ. પારાવાર પીડાનો સામનો કરતો બાળકને જોઈને મા બાપ છાનાખૂણે હિબકા ભરી લેતા!પણ દીકરાને તો હસતો રાખવા માટે જીવ રેડી દેતા.
હસવા-રમવાની આ ઉંમરે પણ બાળકને એ સમયમાં ચારદીવાલની કાળ કોટડીમાં પૂરાઈ રહેવું પડતું, કારણ કે રમવા જતા શ્વાસ ચડે ક્યારેક નાક કે મોંમાંથી લોહીની નદીઓ વહે. માતાપિતાનું બાધા આખડી પછી થયેલું એક માત્ર સંતાન એટલે તેઓ પોતાની મરણ મૂડીને ખરચીને પણ પોતાનાં કલેજાના કટકાને બચાવવાના પૂરતા પ્રયત્નો કરતા રહ્યા. દસથી બાર વર્ષ લાંબી સારવાર ચાલી.
કેટકેટલાય ઑપરેશન અને કિમોથેરાપીની કાંટાળી કેડી પસાર કરી આ દીકરો સુખના સરનામે પહોંચ્યો, પોતાની જીવ સટોસટની બાજીમાં એ જંગ જીત્યો.!!.અને હજુ જીતના જશનનો આનંદ વ્યક્ત થાય એ પેલા દર્શનના પપ્પાને અન્નનળીના કેન્સર હોવાનું નિદાન થયું,એમની સારવાર માટે બધું જ કરી છૂટવા દીકરાએ કમર કસી, પણ ઘણીવાર કુદરત કંઈક જુદું જ પરિણામ વિચારીને બેઠી હોય!ઘણીવાર કુદરત જીવનનો ખૂબ અઘરો પેપર કાઢતી હોય છે!પિતાજી થોડા મહિના સુધી માત્ર પ્રવાહીના આધારે રહ્યા અને ત્યાર બાદ તેમનું અવસાન થયું.
બધા જ પ્રયત્નો કરવા છતાં આ દીકરો પોતાના પપ્પાને બચાવવામાં નિષ્ફળ રહ્યો.એનો એને જિન્દગીભર વસવસો રહ્યા કરે!જીવનની ખરી વસંત હજી તો માણે ત્યાં તો એ હાથતાળી આપી પાનખરની સોગાત આપી ગઈ! જે સમયે ખુદને પપ્પાની એક સાચા મિત્ર તરીકે જરૂર હતી ત્યારે કાળમુખા કેન્સરે પિતાને દીકરા પાસેથી છીનવી લીધા.
આજે આ દીકરો કેન્સર પીડિત વ્યક્તિઓને મળીને હિંમત અને આશ્વાસન મળી રહે એવા હેતુથી દર્દીઓનો સંપર્ક કરે,એમની મુલાકાત કરે છે. અને પોતાનાથી બનતી સહાય કરવાં હંમેશા તત્પર રહે છે.
પોતે જીવનનાં સમજણના ઉંબરામાં પગ મૂકતાની સાથે જ જે સંઘર્ષ કર્યોં છે,કહેવાતા સગાઓની માનસિક કનડગત દ્વારા જે પીડા ભોગવી છે, એવી પીડા અન્યને ન ભોગવવી પડે એ માટે એ અન્યને મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. જ્યાં સુધી સમાજમાં દર્શન જેવાં દીવડા ઝગમગતા હશે ત્યાં સુધી માનવતા ની મહેક પ્રસરતી જ રહેશે.

Previous articleઅધ્યાત્મ અને શિક્ષણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે