બાળ મુમુક્ષોની દિક્ષા ગ્રહણ પ્રસંગે ભાવનગર શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયો ઉમટી પડ્યા
ભાવનગર જૈન સમાજના ૨૫ વર્ષના ઇતિહાસમાં બીજી વખત બે બાળ મુમુક્ષોએ દિક્ષા ગ્રહણ કરી હતી. આ દિક્ષા દાનનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગચ્છાધિપતિ પુ.વિજયહેમચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબે માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપા સંઘના ઉપક્રમે બે જૈન સદગ્રહસ્થોના બાળકો જેમાં વંશ મિહીરભાઇ પારેખ (ઉ.વ.૧૧) અને ભવ્ય હરમીશકુમાર શાહ (ઉ.વ.૧૨)એ શહેરના દાદાસાહેબ ખાતે આવેલ જૈન દેરાસરમાં આચાર્ય શાસન સમ્રાટ વિજયનેમીસૂરિશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના ગચ્છાધિપતિ પૂ.આચાર્ય વિજયહેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ તથા વિજયવિમલ કિર્તીસૂરિશ્વરજી મહારાજ સાહેબ અને સાધ્વીજીઓની વિરાટ સંખ્યામાં બાળ મુમુક્ષોએ દિક્ષા અંગિકાર કરી હતી. આ કાર્યક્રમમાં બાળ મુમુક્ષોએ ગૃહ ત્યાગ કરી દાદાસાહેબ જૈન દેરાસરના પટાંગણમાં દિક્ષા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુરૂ ભગવંતોના હસ્તે રજોહરણ સ્વિકારી દિક્ષા ગ્રહણ કરી હતી. આ ઉત્સવના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવીકાઓ અને બાળકોએ નૂતન બાળ દિક્ષિતોને વંદન કર્યાં હતાં તથા અક્ષત પુષ્પથી વધાવ્યા હતાં. નૂતન બાળ દિક્ષા ગ્રહણ કરનાર બન્ને મુમુક્ષોનું નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં ભવ્યનું નામ મુનીરાજ ભાગ્યમંડન મહારાજ સાહેબ અને વંશ મુની મહારાજનું વૈરાગ્યમંડન મહારાજ સાહેબ નામ આપવામાં આવ્યું હતું. ગત તા.૨ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન ગુરૂ ભગવંતોનું સામૈયુ, નવપદની પૂજા, હિત શિક્ષા, કુમારપાળ રાજાની આરતી, શક્રસ્તવ મહાભિષેક, સાંસ્કૃતિક કાર્યક્રમ, બહુમાન સમારંભ, દિક્ષાર્થીઓનો વર્ષિદાન વરઘોડો તથા રાજમહેલથી વિદાય સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.