દર વર્ષે ચોમાસામાં હિંદુ-મુસ્લિમ સમાજના લોકો પુલના અભાવે સ્મશાન તરફ જઈ શકતા નથી
ધંધુકા, તા.૮
ધંધુકા તાલુકાના બાજરડા ગામની ચતુરી નદીમાં પાણી આવે અથવા ઉપરવાસના વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવે ત્યારે બાજરડા ગામના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોને સ્મશાન અને કબ્રસ્તાન તરફ જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બંને સમાજની ધાર્મિક અંતિમ ક્રિયાના સ્થળ તરફ જવાનો આ એક જ મુખ્ય માર્ગ છે તેથી ચોમાસાના સમય દરમિયાન જ્યારે નદીમાં પાણીનું પૂર આવે ત્યારે બાજરડા ગામના તરવૈયાઓ મારફત નદીના બંને કાઠે આમને-સામને દોરડાઓ બાંધીને જીવ જોખમમાં મૂકી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોને સ્મશાન અને કબ્રસ્તાનમાં વિધિ માટે નનામી અને જનાઝા ને લઈ જવામાં આવે છે તેથી પારાવાર મુશ્કેલીઓ ઉભી થાય છે.આ ઉપરાંત ભોજપરા ગામ તરફ આવવા જવા માટે માત્ર આજ ટૂંકો રસ્તો છે તેથી આ મુખ્ય માર્ગ ઉપર મોટો પુલ વહેલી તકે બનાવવા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.