અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ૪૯ આરોપી દોષિત ઠર્યા, આજે સજા

1117

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટનો ચુકાદો : ૭૭ માંથી કુલ ૨૮ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા, બ્લાસ્ટની આ ઘટનામાં ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૪૦ લોકોને ઈજા થઈ હતી
અમદાવાદ, તા.૮
વર્ષ ૨૦૦૮ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૪૦ લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં ૪૯ આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે સાબિત થઈ ગયુ છે. ૭૭ માંથી કુલ ૨૮ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો ૪૯ આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૬ જુલાઈ ૨૦૦૮નો શનિવારનો દિવસ, અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના ૬.૩૦થી ૮.૧૦ કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્‌યું હતુ. શહેરમાં એક બાદ એક ૭૦ મિનીટમાં ૨૦ સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્‌યું હતું. ૨૦૦૮ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપવાની હતી જેનાં કારણે ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટ અને સાબરમતી જેલમાં પોલીસ અને એ.ટી.એસ. સહિતની સુરક્ષા એજન્સીઓનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરાયો. આ ઉપરાંત ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી. ટ્રાયલ કોર્ટના સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આઠમી ફેબ્રુઆરીના રોજ ચુકાદો નિયત કર્યો. ચુકાદાની સુનાવણી ભદ્રની સિટી સેશન્સ કોર્ટમાં થવાની હોવાથી અને આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હોવાથી પોલીસ અને એ.ટી.એસ. સહિતની એજન્સીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. આ કેસમાં કુલ આરોપીઓ સામે છેલ્લાં ૧૪ વર્ષથી ટ્રાયલ ચાલતી હતી. આ ઉપરાંત મંગળવારે કેસનો ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

Previous articleક્રિકેટે દિલ તોડી નાખતાં હવે ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક મહિલા બેટર હૉકીમાં કૌશલ બતાવશે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭૫૯૭ દર્દીઓ નોંધાયા