૬૦૦ કરતાં વધુ જોખમી સગર્ભા બહેનોની સોનોગ્રાફી, લેબોરેટરી અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું
સુરક્ષિત અને મજબૂત બાળક માટે સુરક્ષિત માતૃત્વ પણ એટલું જ અગત્યનું છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરીને સ્વસ્થ અને તંદુરસ્ત માતા માટેના આરોગ્યલક્ષી પગલાઓ ઉઠાવવામાં આવે છે. માતા જેટલી આરોગ્યપ્રદ અને સુરક્ષિત હશે તેટલું જ બાળક સશક્ત, તંદુરસ્ત અને મજબૂત હશે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લાની જોખમી કક્ષામાં આવતી માતાઓની આરોગ્યલક્ષી ચકાસણી, તપાસ અને નિદાન કરીને જરૂરી દવાઓ સાથે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત આજે ભાવનગર જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય.કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જીલ્લા હોસ્પિટલ ખાતે ’પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’(PMSMA)ની ઉજવણી કરવામાં આવી હતી.આ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ,લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. તેમજ માતાઓને પ્રોટીન પાઉડર અને આર્યન ટેબ્લેટ અને કેલ્શીયમની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ફરીયાદકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભંડારીયા દ્વારા ડો.ધર્માંશુ કીકાણી હોસ્પિટલ, બુધેલના સહકારથી જોખમી સગર્ભા બહેનોની તપાસ, નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં તમામ સગર્ભા, ધાત્રી માતાઓ અને જોખમી માતાઓનું સ્ક્રિનિંગ થાય અને તેમને ઉત્તમ સારવાર મળે તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.કે. તાવિયાડના સઘન પ્રયત્નો હેઠળ જીલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડૉ.પી.વી. રેવરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુનીલ પટેલ અને જીલ્લા પ્રોગ્રામ કોર્ડીનેટર. યોગેશ્વર ઉપાધ્યાય સાહેબ ના સંકલન થી બુધેલ ખાતે ડૉ.ધર્માંશુ કીકાણી હોસ્પિટલના ડો.સિધ્ધિ ઠાકર (ગાયનેક સર્જન) દ્વારા ૬૦૦ કરતાં વધુ જેટલી જોખમી સગર્ભા બહેનોની સોનોગ્રાફી,લેબોરેટરી અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને સફળ બનાવવાં માટે કિકાણી હોસ્પિટલની સાથે ટ્રસ્ટી મંડળનો પણ પૂરતો સાથ સહકાર મળ્યો હતો. પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અભિયાનને સફળ બનાવવામાં તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફીસરે ભારે જહેમત ઉઠાવી હતી.