દંપતિ વચ્ચે વારંવાર સર્જાતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પોલીસે પત્નીની ધડપકડ કરી
ભાવનગર તળાજા હાઈવે પર મામસા ગામે આવેલ જીઆઈડીસી માં રહેતા નેપાળના એક યુવાનની તેની પત્નીએ સળીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘોઘા પોલીસે હત્યારી પત્નીની ધડપકડ કરી છે. ભાવનગર જિલ્લાના મામસા ગામે ઈન્ડસ્ટ્રીયલ એરીયો આવેલો છે આ ઔદ્યોગિક એકમમા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરીકામ કરી આજીવિકા રળે છે જેમાં નેપાળનો એક પરીવાર પણ અહીં રહી મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવે છે મામસા જીઆઈડીસી સ્થિત પ્લોટનં-૬૯/ડી ફાઈન ઈમ્પેક્ષ માં પરીવાર સાથે રહી મજૂરીકામ કરતી શ્રમજીવી મહિલા અનિતા દિલારામ છત્રીએ તેનાં પુત્ર ની પત્નિ વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી કે તેના ૩૨ વર્ષિય પુત્ર ઓમકુમાર દિલારામ છત્રીના લગ્ન તેનાં વતનમાં જ્ઞાતિના રીવાજ મુજબ આજથી ત્રણ માસ પૂર્વે થયા હતા અને ઓમકુમાર ની પત્ની સુનિતા સાથે અહીં આવ્યાં હતાં. દરમ્યાન લગ્નનના થોડા જ દિવસો બાદ પતિ પત્ની વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થતાં હતાં પરંતુ ઓમકુમાર ની માતા દંપતિ વચ્ચે મધ્યસ્થી કરાવી વિવાદ શમાવતી હતી પરંતુ બુધવારે રાત્રે દંપતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ઓમકુમાર ની પત્ની સુનિતાએ લોખંડનો સળીયો લઈ ઓમકુમાર ના માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો અને પછી સુનિતાએ તેના સાસુને ફોન કરી જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ ઓમકુમાર પર હુમલો કરી જતાં રહ્યાં હતાં પરંતુ પહેલેથીજ શંકાના દાયરામાં રહેલી સુનિતાની સાસુએ પુછપરછ કરતાં ઓમકુમાર ની હત્યા તેણે જ કરી હોવાની કબુલાત કરી હતી સુનિતા ને ઓમકુમાર પસંદ ન હોય આથી વારંવાર ઝઘડા થતાં હોય આવેશમાં આવી હત્યા કરી હોવાનું નિવેદન ઘોઘા પોલીસને આપતાં પોલીસે આઈપીસી કલમ ૩૦૨ મુજબ સુનિતાની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.