ભાવનગરમાં આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર બૌદ્ધિકોના સંવાદ કાર્યક્રમ યોજાયો : જેટલાં નાગરિકો દેશના વિકાસ માટે કાર્યરત થશે તેટલો જ દેશ આપોઆપ વિકસિત થશેઃ જીતુ વાઘાણી
ભાવનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલમાં આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પરના બૌદ્ધિકોના સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહભાગી થયા હતા. આ તકે તેઓએ જણાવ્યું કે, દેશ અને દેશની અર્થવ્યવસ્થા એ દેશના નાગરિકો અને નાગરિકોના દેશ માટેના પ્રયત્નો પર આધારિત હોય છે. આથી જેટલાં નાગરિકો દેશના વિકાસ માટે કાર્યરત થશે તેટલો જ દેશ આપોઆપ વિકસિત થશે. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ભારતને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે. તેમાં આપણે સહપ્રવાસી બનવાનું છે. ગુજરાતમાં પણ યુવાનોની કુશળતા અને કૌશલ્યને નિખારવા ઉપયોગી બને. તેમજ તેમને પ્લેટફોર્મ મળે એ માટે ૩૫ વર્ષ પછી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલીસીનો અમલ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. દેશમાં પ્રથમવાર અને દુનિયામાં પણ કદાચ પ્રથમવાર ગુજરાતમાં આ શક્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક હાકલ પર દેશના નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાય તે બતાવે છે કે આજે દેશ વિવિધતાઓથી ભરેલો હોવાં છતાં એક છે અને આ એકતામાં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ- ૩૭૦ની નાબૂદી, ૧૫૦ કરોડ નાગરિકોને કોરોનાનું રસીકરણ, કોરોનાના સમયગાળામાં ૮૦ કરોડ નાગરિકોને અનાજ પૂરું પાડવું એ જેવું- તેવું કાર્ય નથી. આ કાર્ય સમષ્ટિના કલ્યાણની ભાવના હોય તો શક્ય બનતું હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું? હતું. તેમણે જણાવ્યું કે, કોઈપણ દેશનો વિકાસ અર્થતંત્ર વગર ન થઈ શકે. ભારત સંસ્કાર, સંસ્કૃતિ અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે. આ દેશની બહેનો પણ સોનાની બચત રાખીને જો ઘરનો કમાનાર વ્યક્તિ બે વર્ષ આર્થિક રીતે મદદ ન કરી શકે તો પણ ઘર ચલાવી શકે એવાં મજબૂત અર્થવ્યવસ્થાના આપણે સંસ્કારો ધરાવીએ છીએ. દેશના વિકાસની સાથે-સાથે રાજ્યનો, નગરનો અને શહેરનો પણ વિકાસ થતો હોય છે. તેથી આ બજેટ દ્વારા ભાવનગરનો પણ વિકાસ થવાનો છે. કોરોનાના સમયગાળા દરમિયાન આપણે જે મુશ્કેલીઓ જોઈ તેનું નિરાકરણ લાવીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જે વ્યવસ્થાઓ ઊભી કરી છે તે અત્યારે તો ઉપયોગી બને જ છે પરંતુ ચિરકાળ સુધી દેશના લોકોની સેવા માટે ઉપયોગી બની રહેવાની છે. કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૦ લાખ કરોડ રૂપિયાનો બુસ્ટર ડોઝની મદદ દ્વારા દેશના તમામ ધંધા અને અર્થવ્યવસ્થાઓ કોરોનાના સમયગાળામાં પણ ચાલતી રહી છે. દેશનું મહત્તમ અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ત્યારે કૃષિ ક્ષેત્રને પણ સિંચાઈનો મોટો લાભ મળે તે માટે દેશની પાંચ નદીઓને જોડવામાં આવનાર છે. તેમાંથી દમણગંગા નદીને પણ જોડવાનું આયોજન છે. આ યોજના માટે રૂ.૧૦ હજાર કરોડનો ખર્ચ થશે. જેનાથી ખેડૂતોને મોટો લાભ થવાનો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ ગુજરાતના કન્વીનર ઉર્વીશ શાહે બૌધ્ધિકોના આ સંમેલનમાં બજેટ, કરવેરા, ઇતિહાસ અને અર્થતંત્ર એમ વિવિધ વિભાગોમાં વિસ્તૃત ચર્ચા કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ નવી પેઢી માટેનું બજેટ છે. સર્વગ્રાહી અને સમાવેશક સમગ્ર જનતાને આવરી લેતું બજેટ છે.
બજેટની નાની-નાની બાબતોની પણ છણાવટ કરીને જણાવ્યું કે, કોરોના સમયગાળાના પણ અર્થતંત્ર ચાલતું રહે અને અગાઉ પણ વિકાસ સાધી શકે તે પ્રકારનું કેન્દ્રીય બજેટ છે.’ જાન હે તો જહાંન હૈ’ તેને ધ્યાનમાં રાખીને દેશના સામાન્યમાં સામાન્ય નાગરિકની પણ તેમાં કાળજી રાખવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, અત્યારે આપણું અર્થતંત્ર ૩ ટ્રીલીયનનું છે. તેને ૫ ટ્રીલીયનનું સુધી લઈ જવાના લક્ષ્ય સાથેનું આ બજેટ છે. દેશમાં જ્યારે ૧૨ કરોડ લોકો સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ત્યારે તેમને પણ લાભ મળે અને ખેતીમાં પણ તેનો લાભ મળે તેવી સમગ્ર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિકાસોન્મુખ આ બજેટ છે. આ બજેટથી દેશના સામાન્યથી માંડીને ઉદ્યોગપતિ સુધી તમામ વર્ગને લાભ થવાનો છે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજુ પંડ્યાએ આ અવસરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ અવસરે ભાવનગરના મેયર કિર્તિબાળા દાણીધારીયા, શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બૌદ્ધિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.