ભરતનગર પોલીસ સ્ટેશનની ટીમ આરોપીની તપાસ માટે ગઈ હતી અને આજે ટીમ આરોપી સાથે પરત ફરી રહી હતી
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલો ઉત્તેરપ્રદેશ ખાતે એક આરોપીને પકડવા ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે સોમવારની મધ્ય રાત્રિએ જયપુર પાસે માર્ગ અકસ્માત થતાં ચારે પોલીસ કોન્સ્ટેબલો સહિત સાથે રહેલા આરોપીનું પણ મોત નીપજયું છે. આ ઘટના કારણે સમગ્ર ભાવનગર પોલીસમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
થોડા દિવસ પહેલા ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસ કરી રહેલી પોલીસને જાણકારી મળી હતી કે આ કેસના આરોપી ફઈમ શેખ ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ છે. કેસની ગોપનીયતા જળવાઈ તે માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુખેરા, મનસુખ બાલખીયા અને ઇરફાન આગવાન એક ખાનગી કાર લઈને યુપી અને દિલ્હી તરફ જવા રવાના થયા હતા. આ તપાસ દરમિયાન તેમણે એક શંકાસ્પદ આરોપી પણ મળી આવ્યો હતો. આ આરોપી સાથે ભાવનગર પોલીસ પરત ફરી રહી હતી ત્યારે સોમવારની રાત્રે ૩ વાગે તેમની કારને જયપુર ખાતે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર પોલીસ કર્મીઓ સહિત આરોપીનું પણ ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટના સ્થળે પહોંચેલી રાજસ્થાન પોલીસને તપાસમાં મૃતકો ગુજરાત પોલીસના કર્મચારી હોવાની વિગત મળતા રાજસ્થાન પોલીસે આ મામલે સ્ટેટ કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી. એક સાથે ચાર પોલીસ કર્મચારીઓના મોતના સમાચાર મળતા પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર પોલીસના અધિકારીઓ રાજસ્થાન જવા રવાના થયા છે.
૨૦૧૨ જેવી જ ઘટનાનું ૨૦૨૨માં પૂનરાવર્તન
ભાવનગર શહેરના ભરત નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ જવાનોના જયપુર હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ થયા છે ભાવનગર પોલીસ બેડા સાથે એક દાયકા બાદ ફરી અકસ્માતની દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે અગાઉ ૨૦૧૨માં એક લૂંટના કેસમાં ભાવનગર એલસીબી વિભાગના ૪ જવાનો જેમાં અનિરુદ્ધસિહ નવલસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઉર્ફે જોન્ટી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને સમીરભાઈ કોઠારીયા આરોપી ભુપતભાઈ નારણભાઇ આહિર ના પુત્રને લઈ તપાસ માટે ખાનગી વાહનમાં ગયેલ તેને વટામણ અને વડોદરા વચ્ચે અકસ્માત થયેલ જેમાં ચારેય પોલીસ જવાનો અને આરોપીના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા તેની યાદ ફરી પોલીસ બેડામાં તાજી થવા પામી છે આમ એક દાયકા બાદ ભાવનગર પોલીસ બેડા સાથે ગોઝારી દુર્ધટનાનુ પુનરાવર્તન થતા પોલીસ બેડામાં, તેમજ મૃત્યુ પામનાર જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરિવળ્યુ છે.
મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણમંત્રી સહિતનાએ શોક વ્યક્ત કર્યો
ભાવનગર પોલીસ જવાનોની ટીમને જયપુર નજીક નડેલા અકસ્માતમાં ચાર પોલીસ જવાન સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયાની જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃત્યુ પામનાર જવાનોના પરિવાર જનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ભાવનગરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ જવાનોના મૃતદેહોને હવાઈમાર્ગે ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવાની પણ કવાયત હાથ ધરી છે