જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

98

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી હંસાબેન ભોજએ રજુ કરેલા બીનઅધિકૃત દબાણો, પાણીની વ્યવસ્થા, જમીન માપણી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગૂડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR(એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતનાં પદાધિકારીઓ તેમજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરો, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે દાદાને જુવાર, બાજરો, મોરૈયો અને રાજગરાનો શણગાર
Next articleગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સર.ટી.હોસ્પિટલના ‘‘પાસિંગ આઉટ સેરેમની”કાર્યક્રમ યોજાયો