ક્લીન એનર્જીની-પ્રદુષણ મુક્ત શહેરોની દિશામાં એક ડગલુ આગળ વધી શકવાનો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાન
નવી દિલ્હી,તા.૧૯
પીએમ મોદીએ શનિવારે ઈન્દોરમાં એશિયાના સૌથી મોટા ગાયના છાણના પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ હતુ. પીએમ મોદીએ ઓનલાઈન વક્તવ્યમાં કહ્યુ હતુ કે, ઈન્દોરના લોકો જેટલા સારા છે એટલુ જ તેમણે શહેરને સ્વચ્છ અને સારુ રાખ્યુ છે.શહેરોને પ્રદુષણ મુક્ત અને કચરા મુક્ત રાખવા માટે આ પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ મહત્વના છે.શહેરોમાંથી નિકળતો ભીનો કચરો તેમજ ગામમાં પશુઓ અને ખેતરોનો કચરો એક રીતે જોવામાં આવે તો ગોબર ધન જ છે.તેનાથી જે પણ ફ્યુલ બનશે તે જીવનના નિર્માણમાં કામમાં આવશે.આ પ્લાન્ટ બીજા શહેરોને પ્રેરણા આપશે. તેમણે કહ્યુ હતુ કે, આગામી બે વર્ષોમાં ૭૫ મોટા શહેરોમાં આ પ્રકારના બાયો સીએનજી પ્લાન્ટ લગાવાશે.જેનાથી ક્લીન એનર્જીની અને પ્રદુષણ મુક્ત શહેરોની દિશામાં આપણે એક ડગલુ આગળ વધી શકીશું.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ઈન્દોરના લોકોને પોતાના શહેરની સેવા કરતા પણ આવડે છે.સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને તેમની ટીમે બહુ ઓછા સમયમાં આ પ્લાન્ટને કાર્યરત કર્યો છે. સુમિત્રા મહાજનનો પણ આભાર માનુ છું કે, તેમણે ઈન્દોરને નવી ઓળખ આપી છે.