જૈનાચાર્યોની નિશ્રામાં : આગામી માર્ચ તથા એપ્રિલ માસ દરમિયાન વિશિષ્ટ ભકિત અનુષ્ઠાનના આયોજનો થશે
યાત્રાધામ પાલિતાણામાં શાશ્વતતીર્થ ગિરિરાજની પવિત્ર છાયામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદેશ્વર પરમાત્માના કેવળજ્ઞાાન કલ્યાણકની આગામી તા.૨૬ અને ૨૭ ફેબુ્રઆરી દરમિયાન તળેટી રોડ પર આવેલ સલોત ભવન, મહારાષ્ટ્ર ભવન,નંદપ્રભામાં ગુરૂ ભગવંતોની નિશ્રામાં ઉજવણી કરવામાં આવશે. આ ધર્મોત્સવ દરમિયાન તા.૨૬ ને શનિવારે સવારે પ્રભુના કેવળજ્ઞાાનનો મહિમાગાનની સંગીતમય પ્રસ્તુતિ, બપોરે ગુરૂભગવંતોનું પ્રવચન, રાત્રે પ્રભુભકિત વ.કાર્યક્રમો યોજાશે. તા.૨૭ ને રવિવારે સવારે પ્રભાતીયા, પ્રભુના કેવળ જ્ઞાાનની રથયાત્રા, પ્રભુભકિત, સાધર્મિક ભકિત, બપોરે ગુરુભગવંતોના પ્રવચન સહિતના કાર્યક્રમો સરકારી ગાઈડલાઈનની અમલવારી સાથે યોજાશે.વિશેષમાં પ્રથમ તિર્થંકરના આગામી માર્ચ, એપ્રિલમાં વિશિષ્ટ પ્રકારના ભકિત અનુષ્ઠાનો થશે. જેમાં તા.૨૭મીએ ફાગણ સુદ આઠમે આદેશ્વરદાદાની ઘેટીયાગથી શત્રુંજય ગીરીરાજની ૯૯ વાર યાત્રા કરી હતી તેના સ્મૃતિ દિવસ, ફાગણ વદ ૭,૮ વર્ષીતપનો પ્રારંભ, જન્મ દિક્ષા કલ્યાણક દિવસ, વૈશાખ સુદ ૩ ના વર્ષીતપના પારણા, વૈશાખ વદ ૬ના શેત્રુંજય ગિરિરાજ દેરાસરની ૪૯૧ મી સાલગીરી, જેઠ વદ ૪ ના ભગવાનનું ચ્યવન કલ્યાણક દિવસ ઉજવાશે. આ તમામ દિવસો દરમિયાન પાલિતાણાની વિવિધ ધર્મશાળાઓમાં આરાધના કરવા માટે દેશભરમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.