ફાયર એનઓસી મામલે મહાપાલિકા દ્વારા સીલ મારવાનો સીલસીલો ફરી શરૂ

72

ભાવનગર મહાપાલીકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી વિનાની મિલ્કતો સીલ કરવાની કામગીરીનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઇકાલે મંગળવારે ફાયર ટીમ દ્વારા શહેરની ત્રણ બિલ્ડીંગોને ફાયર એનઓસી ન હોવાના કારણે સીલ કરતાં ચકચાર મચી જવા પામી છે.મહાપાલિકા જ્યારે જાગે ત્યારે અને પોતાની અનુકુળતાએ વિવિધ ડ્રાઇવ અને મિલ્કતો સીલ કરવા જેવી બાબતો હાથ ધરે છે. આજ રીતે ફાયર સેફટી માટે સરકાર અને કોર્ટ ગંભીર હોવા છતાં કોર્પોરેશન તે બાબતે જરાય દરકાર રાખતા નથી અને કોર્ટમાં મુદત હોય ત્યારે ફાયર બ્રિગેડ ફાયર એનઓસી વગરની મિલકતોને સીલ મારવા નીકળી પડે છે. હવે જ્યારે આગામી દિવસોમાં ફાયર એનઓસી બાબતે કોર્ટમાં મુદત હોવાથી મંગળવારથી બિલ્ડિંગોને સીલ મારવાનું શરૂ કર્યું છે.અને પ્રથમ દિવસે જ ત્રણ બિલ્ડીંગને સીલ ઠપકાર્યા હતા.ગઇકાલે ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ડાયમંડ ચોકમાં અષ્ટમંગલ રેસીડેન્સી, મેઘાણી સર્કલમાં શ્રીન્યાલદાસ એપાર્ટમેન્ટ અને ભીલવાડા સર્કલમાં સુકુન ૧ બિલ્ડિંગને ફાયર એનઓસી નહી હોવાથી સીલ મારવામાં આવ્યું હતું. આજે અને આગામી દિવસોમાં પણ આ રીતે કાર્યવાહી શરૂ રહેશે તેમ મહાપાલિકાના આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Previous articleપીરછલ્લામાંથી પડદા-પાટીયા હટાવ્યા
Next articleશાસનસમ્રાટ સમુદાયના ગુરૂવરોની સવારે શહેરમાં નિકળેલી ઐતિહાસિક શોભાયાત્રા