મુંબઇ, તા.૨૪
દિલ મિલ ગયે’ સીરિયલથી પોપ્યુલારિટી મેળવનારા એક્ટર કરણ સિંહ ગ્રોવરનો ૨૩ ફેબ્રુઆરી ૪૦મો બર્થ ડે હતો. કરણ સિંહ ગ્રોવર માટે પત્ની બિપાશા બાસુએ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં ’બિગ બોસ ૧૫’ ફેમ રાજીવ અડાતિયા, એક્ટર વિવાન ભઠેના અને તેની પત્ની, એક્ટ્રેસ આરતી સિંહ, રોહિણી ઐય્યર સહિતના સેલેબ્સ અને કપલના નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લાગી રહ્યું છે કે, કરણ માટે આ પાર્ટી સરપ્રાઈઝ હશે કારણકે રેસ્ટોરાંની અંદર પ્રવેશતાં જ મિત્રોને જોઈને કરણને નવાઈ લાગી હતી. રાજીવ અડાતિયાએ કરણ સિંહ ગ્રોવરના કેક કટિંગનો વિડીયો શેર કર્યો છે. જેમાં જોઈ શકો છો કે કરણ માટે બે કેક લાવવામાં આવી છે. કરણ મસ્તી કરતાં-કરતાં કેન્ડલને ફૂંક મારતો અને પછી કેક કાપતો દેખાય છે. આ પહેલા જ્યારે કરણ રેસ્ટોરાંમાં પ્રવેશ્યો ત્યારે મિત્રોને જોઈને ઈમોશનલ થઈ ગયો હતો. તે નીચે બેસી ગયો હતો અને ચહેરા પર હાથ રાખી પોતાની લાગણીઓ છુપાવતો દેખાયો હતો. કેક કટિંગ બાદ કરણ સિંહ ગ્રોવરે મિત્રો અને પત્ની બિપાશા સાથે મળીને ડાન્સ પણ કર્યો હતો. સૌ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. ’પુષ્પા’ ફિલ્મના ગીત પર ડાન્સ કરતાં કરતાં કરણે તેની નકલ પણ કરી હતી. આરતી સિંહ અને રાજીવ અડાતિયા પણ બિપાશા સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. સામી-સામી, ઘૂંઘરું તૂટ ગયે, ડૂબે, જલેબી બેબી વગેરે જેવા ગીતો પર સૌ થિરકતાં અને મસ્તી કરતાં દેખાયા હતા. રાજીવ અડાતિયાએ પાર્ટીમાંથી કરણ અને બિપાશા સાથેનો ફોટો શેર કરતાં શાનદાર સાંજ માટે બંનેનો આભાર માન્યો હતો. સાથે જ બર્થ ડે બોયને શુભેચ્છા પાઠવી હતી. બર્થ ડે પર કરણ સિંહ ગ્રોવરે વ્હાઈટ પેન્ટ-શર્ટ અને બ્લેક રંગનો સૂટ પહેર્યો હતો. જ્યારે બિપાશા બ્લેક રંગના શોર્ટ ફ્રોકમાં ખૂબસૂરત લાગતી હતી. રાજીવ પણ બ્લેક આઉટફિટમાં દેખાય છે. બિપાશા બાસુએ પતિની બર્થ ડે પાર્ટીનો વિડીયો શેર કરીને તેના ’મંકી પ્રિન્સ’ને શુભકામના આપી છે. વિડીયોમાં મહેમાનો અલગ-અલગ ડાન્સ સ્ટેપ કરતાં જોવા મળે છે. બિપાશાએ વિડીયો શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે માય લવ. બિપાશાએ કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તેના હાથમાં લાલ ગુલાબ દેખાય છે. પાર્ટી શરૂ થતાં પહેલા કપલે મીડિયાને પોઝ આપ્યા હતા. એક્ટ્રેસે ફોટો શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે મારા પ્રિન્સ. ઉલ્લેખનીય છે કે, બિપાશા અને કરણે ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટોઝ શેર કરતાં રહે છે. બંનેએ કેટલીક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે.