આજ નહીં તો કભી નહીં:- ભક્ત પ્રકાશ (વચનામૃત : જીવન માર્ગદર્શક )

83

નાના-મોટા પ્રત્યેક વ્યક્તિને પોતે જ્યાં છે ત્યાંથી આગળ વધવું છે. વધુ સારી સ્થિતિ અને પરિસ્થિતિને મેળવવાની ઝંખના છે. પોતાને સંતોષ થાય એવું કંઈક પ્રાપ્ત કરવું છે. પણ એની સામે એક પ્રશ્ન કાયમ આવીને ઊભો હોય છે- શરૂ ક્યારે કરું અને ક્યાંથી કરું ?
એ પ્રશ્નનો જવાબ સાદો છે. શરૂ આજે જ કરવું જોઈએ. હજારો વર્ષોના અનુભવ પછી ડાહ્યા માણસોએ શોધેલો આ જવાબ છે. જે માણસોએ જીવનમાં કશુંક પ્રાપ્ત કર્યું છે, તેમણે માત્ર આ રીતે જ પ્રાપ્ત કર્યું છે,બીજો કોઈ વિકલ્પ જ નથી.
કોઈ પણ માણસ શરૂઆત ગમે ત્યારે કરે, તે શરૂઆત એની આજથી થશે અને પોતે જ્યાં હશે ત્યાંથી જ થશે. એટલે કામ કરવાનું શુભ મુહૂર્ત સદા આજે અને અહીંથી જ શરૂ થાય છે.
કહે છે ને કે શરૂઆત કરવી એ જ આગળ વધવાનું રહસ્ય છે. સારી શરૂઆત એ અડધી બાજી જીતી ગયા જેવું છે.
વ્યક્તિની કલ્પના અને વિચાર જ્યારે ઇચ્છામાં પ્રવેશ પરિવર્તિત થાય છે ત્યારે જો તેને કાર્યનું પીઠબળ ન મળે તો તે કેવળ તરંગ બની જાય છે. તેથી તક ઓળખવી, સાહસવૃત્તિ દાખવવી, આળસને અલવિદા કરવી અને જોખમ ખેડવાની તત્પરતા દાખવવા જેવી બાબતોમાં ટાણે યોગ્ય નિર્ણય લઈ કાર્યમાં ઝંપલાવવું જ પડે, નહીંતર જેમ કહેવત છે કે ઇચ્છાઓને જો ઘોડા હોત તો ભિખારીઓ એના ઉપર સવારી કરતા હોત.
અમેરિકાના અબજોપતિ વ્યક્તિને એક યુવકે પૂછ્યું,“તમે આટલું બધું ધન કઈ રીતે સંપાદન કર્યું?” તો તેઓ કહે,“અવસર આવે કે તરત એની ઉપર છલાંગ મારીને બેસી જવું.” તે યુવક કહે,“છલાંગ મારીને બેસતાં પહેલાં અવસર ચાલ્યો જાય તો શું કરવું?”શેઠકહે,“હું અવસર આવવાની રાહ જોતો નથી, છલાંગ માર્યા કરું છું.
કોઈક દિવસ સારો સમય આવે, સારી તક મળે સારી રીતે બધું ગોઠવાય, એટલે કામ કરવા માંડું.તક આવતી નથી તેને શોધવી પડે છે.”
થોમસ આલ્વા એડિસન છાપા વેચી ગુજરાન ચલાવતાં ચલાવતાં વિજ્ઞાનના પ્રયોગો કર્યા કર્યા કરતા હતા. આમ, સદા તેઓ તકની શોધમાં હતા. હેનરી ફોર્ડ મોટરના એન્જિનમાં પ્રયોગો રસોડામાં કરીને તકને શોધતા હતા.જો આ લોકો સારી સગવડોની રાહ જોઈને બેસી રહ્યા હોત ભાગ્યે જ કશું કરી શક્યા હોત.
મહાન રશિયન સર્જક રસ્કિન પોતાના ટેબલ ઉપર પેપર વેઈટ તરીકે એક નાનો પથ્થર રાખતાં જેમાં લખ્યું હતું કે today આજે જ!અંગ્રેજીમાં કહે છે કે ‘Opportunityknocks only once`તક એક જ વખત મળે છે.સમય એટલે કે તક અને ભરતી કોઈની રાહ જોતા નથી. જેમને કશું કરવાની ઇચ્છા હોય છે તેઓ હાથમાં આવેલી તકને ઝડપી લે છે.
ચાર્લ્સ કાર્બનને કોઈએ પૂછ્યું કે “પ્રવૃત્તિ માટે શાની જરૂર છે? બુદ્ધિ, શિક્ષણ કે શક્તિની? તેમણે કહ્યું કે “માત્ર સમયની ઓળખ ની જરૂર છે.”
એકવાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પત્ર લેખન કરી રહ્યા હતા. તે જોઈ સામે એક સંત બેઠા હતા. તેમને યાદ આવ્યું કે મારે પણ એક પત્ર લખવાનો છે. પછી વિચાર આવ્યો કે પછી લખી લઈશ. સ્વામીશ્રીએ અંતર્યામીપણે વિચાર પકડી પોતાનું પત્રલેખન અટકાવીને તે સંતને કહ્યું,“એક સેકન્ડ પછી લખીશ, એવો વિચાર પણ આળસ છે.” એમ જાણપણું આપી પોતે પાછા પત્રલેખનમાં પરોવાયા. તેમણે ટૂંકમાં સંદેશ આપ્યો કે આજનું કામ આજે જ કરી નાખો.
એક અમેરિકન જાણીતા કવિયિત્રી પોતાના કાવ્યમાં કહે છે કે “Don’t wait until tomorrow good deeds to be done today. Tomorrow may not come.”
સારાં કાર્ય કરવા માટે આવતી કાલની રાહ ન જુઓ, આજનો દિવસ જ આપણો છે, આવતીકાલે કદાચ ન પણ મળે. એટલે જ કહેવાયું છે-
કાલ કરે સો આજ કર આજ કરે સો અબ
પલ મે પ્રલય હોગી બહુરિ કરેગા કબ
જિંદગીની આ સફર ગમે તેટલી અટપટી અંધકારમય કે મુશ્કેલ હોય તેને પાર કર્યા વિના તો છૂટકો જ નથી. એટલે બને એટલી સરળતાથી સફળતાથી અને સુખમય રીતે જિંદગી પાર પાડવા ઇચ્છનાર વ્યક્તિએ આ કહેવત નજર સામે રાખવાની જરૂર છે.
દસ હજાર માઈલની મુસાફરી પણ એક ડગલાંથી જ શરૂ થાય છે.
અને એ ડગલું ભરવાની વેળા આજે છે, અત્યારે જ છે. તો રાહ શેની જુઓ છો?

Previous articleસુર્યકુમારની ૩૫, ઐયરની ૨૦૩ સ્થાનની છલાંગ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે