જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયોબોટાદ જિલ્લામાં આજ રોજ બોટાદ સ્થિત જુનું માર્કેટીગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૪ હજાર લાભાર્થીઓને રૂ.૧૮૩/- કરોડની સહાય ચુકવવામા આવી હતી.આ કાર્યક્રમમાં મંત્રી વિનોદભાઈ મોરડીયાએ લાભાર્થીઓને પોતાના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. પહેલાંના સમયમાં યોજનાના લાભો મેળવવા જે લાભાર્થીઓને મુશ્કેલી પડતી હતી તે નિવારવા માટે પ્રધાનમંત્રી વડાપ્રધાને પોતાના વિચારો સિદ્ધ કરવા આજે જુદાં જુદાં જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજી લાભાર્થીઓને સીધે સીધા એક જ સ્થળેથી લાભો આપવામાં આવી રહ્યા છે.
મંત્રીએ વધુમાં બોટાદ જિલ્લાના વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો હીરા ઉધોગ, વ્યાપાર ક્ષેત્રે આગળ પડતો છે, બોટાદ જિલ્લાના પૂર્ણ વિકાસ માટે સરકાર દરેક પ્રયત્ન કરી રહી છે, રોડ રસ્તા, કૃષિ તેમજ આરોગ્યક્ષેત્રે જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો કરે છે, દરેક છેવાડાના લાભાર્થીઓને સરકાર નો લાભ પારદર્શકતા સાથે મળી રહે અને કોઈ લાભાર્થી લાભોથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કામ કરી રહી છે. રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી તેમજ કવિશ્રી બોટાદકરની ઝાંખી કરી ઉપસ્થિત તમામ લાભાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય સર્વ સૌરભભાઈ પટેલ તેમજ આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ સરકાર ની વિવિધ યોજનાઓના લાભો વિશે જણાવ્યું હતું.આ પ્રસંગે સરકાર ની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓ અંતર્ગત મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચેક તથા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા મંત્રીના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનું ઈ-તકિતઅનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બરવાળા નગરપાલિકા ખાતે રૂપિયા 18 લાખના ખર્ચે ફાળવેલ એમ્બ્યુલન્સને મંત્રી દ્વારા લીલીઝંડી આપી હતી.આ પ્રસંગે અમરેલી ખાતે મુખ્યમંત્રી ના અઘ્યક્ષસ્થાને યોજાયેલ ગરીબકલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં ૨૪,૧૩૯ લાભાર્થીઓને રૂ.૧૮૩/- કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બીજલ શાહે સ્વાગત પ્રવચન તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પાલસાણાએ આભારવિધિ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, નગરપાલિકા પ્રમુખ રાજશ્રીબેન વોરા, એપીએમસીના ચેરમેન જીવરાજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ડૉ.ટી.ડી.માણીયા, જુદી જુદી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ તથા અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમાર, નાયબ કલેક્ટર આર.કે.વંગવાણી, જિલ્લા પુરવઠા અધિકારી પદ્દ્મિની રાઠોડ, પ્રાંત અધિકારી દિપક સતાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ