ટ્રાફિક, વિદ્યાર્થીનીઓ, બાળકો, મહિલાઓ સાથે છેડતી, હુમલા સહિતના માર્ગદર્શન અપાયું
ભાવનગર શહેરની વિવિધ સ્કૂલોમાં પોલીસ વિભાગ દ્વારા સાઈબર ક્રાઈમ, ગુડ ટચ બેડ ટચ, ટ્રાફિક અવેરનેસ સાથે NDPSના કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ કળિયાબીડમાં આવેલ જ્ઞાનમંજરી સેકન્ડરી સ્કુલમાં બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિને લઈને ભાવનગર પોલીસ તથા શહેરની વિવિધ ખાનગી શાળા સંચાલકોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને અલગ અલગ ક્રાઈમથી સાવધ રહેવા સાથે કાયદાકીય પગલાઓ સંદર્ભે રસપ્રદ માહિતી અને સેલ્ફ અવેરનેસથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.
આજકાલ રાજ્યના અનેક શહેરોમાં શાળા-કોલેજમાં અભ્યસ કરતા વિદ્યાર્થીનીઓ બાળકો મહિલાઓ સાથે છેડતી હુમલા સહિતની ગુનાહિત ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જે માવતરો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં સુરતમાં એક વિદ્યાર્થીનીની એક તરફી પ્રેમમાં પાગલ મનોવિકૃત શખ્સે સરાજાહેર ગળું કાપી હત્યા કરી હતી. આ સીવાય દુષ્કર્મ છેડતી રેપ વીથ મર્ડર જેવી ઘટનાઓ પ્રચાર-પ્રસાર માધ્યમોની હેડલાઈનોમાં સૌથી ટોચ પર છવાયેલો મુદ્દો છે. ત્યારે આવા ક્રાઈમને લઈને રાજ્યના ગૃહ વિભાગે પણ મહિલા-યુવતી, બાળકોની સુરક્ષા-વ્યવસ્થા અંગે કડક અસરકારક પગલાઓ લેવા રાજ્ય ભરની પોલીસને સુચનાઓ આપવામાં આવી છે અને લોકો જેમાં ખાસકરીને બાળાઓ યુવતીઓ મહિલાઓ ક્રાઈમની બાબતોને લઈને એલર્ટ બને તે માટે પોલીસ દ્વારા “મિશન ચાઈલ્ડ સેફ્ટી” સાયબર ક્રાઈમ અવેરનેસ જેવા મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ભાવનગર પોલીસ અને શહેરની ખાનગી શાળા સંચાલકોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ગુનાખોરી મામલે જાગૃત કરવા સાથે કાયદાકીય માહિતીઓથી અવગત કરવા અંગે શહેરની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જેમાં સરદાર પટેલ સ્કૂલ, દક્ષિણામૂર્તિ સ્કૂલ, સાંદિપની સ્કૂલ, મુક્તાલક્ષ્મી સ્કૂલ સહિતની શાળાઓમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને સાઈબર ક્રાઈમ, ગુડ ટચ બેડ ટચ, ટ્રાફિક અવેરનેસ સાથે NDPS ના કાયદાઓ અંગે માર્ગદર્શન સાથોસાથ બાળકો-અધિકારીઓ વચ્ચે પ્રશ્નોત્તરી યોજી હતી. આ તમામ શાળાઓના કુલ મળીને 2200 થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સિટી એએસપી સફીન હસન, પ્રોબેશનલ આઇપીએસ જીતેન્દ્ર અગ્રવાલ, નિલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.આર.ભાચકન, ટ્રાફિક પી.આઈ પી.ડી પરમાર તથા આર.જે રહેવર સાયબર ક્રાઈમના વાય.એમ.આયરાવ, સાઈબર ક્રાઈમ વી.ડી.મહેતા, શાળાના ટ્રસ્ટી નાકરાની, શાળાના આચાર્ય, શિક્ષકગણો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.