પણ…પણ આ રાજીપો દોઢ વર્ષ થી વધારે ન ટકી શક્યો!રૂટિન ચેકઅપ દરમિયાન વળી પાછી ઇવાનાં પેડુનાં ભાગમાં ફરીથી ગાંઠ જેવું લાગ્યું એટલે રિપોર્ટ કરવામાં આવ્યો. પેટસ્કેનનાં રિપોર્ટમાં વળી પાછી સોપારી જેટલી ગાંઠ દેખાઈ!
ઈવાથી એકદમ ઊંડો નિઃ સાસો નખાઈ ગયો!
,”હે ભગવાન! તેં શું ધાર્યું છે? મારાં પ્યારને પામ્યા પછી તો મને ખુશીથી જિંદગી તો જીવવા દે! મને કાંઈ થશે તો!! મારાં કુમળી કળી જેવાં દીકરાથી મને વિખૂટી ન પાડી દેતો, ભગવાન!,”
એક ડુંસકું ભરાઈ ગયું એનાથી…
ફરીથી પેડુની ગાંઠની સર્જરી કરવામાં આવી, ફરીથી ચાર સાયકલ કીમોની લીધી. એથી આગળની ટ્રીટમેન્ટનાં ભાગરૂપે રેડીએશન થેરાપી પણ શરૂ કરવામાં આવી. આમને આમ સારવારના સકંજામાં સમય સરતો ગયો…
દીકરો આર્ષ પણ હવે ત્રણ વર્ષ ઉપરનો થવા આવ્યો એટલે એ પણ સમજણો બની ગયો હતો .મમ્મા કયા? એવું પૂછ્યા કરતો. એ સતત માની હૂંફ પામવા ઈવા જ્યાં હોય ત્યાં દોડી જવા મથતો. દાદાદાદી પણ પૌત્રને પોતાનો જીવ રેડી દઈને ભરપૂર પ્રેમ આપી દેખભાળ કર્યા કરતાં.
ઈવાને ટ્રીટમેન્ટ દરમિયાન ખૂબ નબળાઈ લાગતી, પણ કશીયે ફરિયાદ કર્યા વિના એ કેન્સર સામે સતત ઝઝૂમતી રહેતી! દિવસે ને દિવસે એ જલદીથી સાજા થવા માટેના ભરપૂર પ્રયત્નો કરતી રહેતી! આલયનાં ખોળામાં માથું રાખીને કહેતી :
” આલય, મને કાંઈ નહીં થઈ જાયને? મારે હજી તારી સાથે,.. આપણાં દીકરા સાથે જીવવું છે! મારે મારા દીકરાને ભરપૂર માતૃત્વ આપવું છે.. આલય.., આલય.., હું કેન્સર સામે ચોક્કસ જીત મેળવીશ જ “.
ઈવાના આ દ્રઢ મનોબળ સામે બધાને આશા બંધાઈ હતી.
આલય, એને હૂંફથી પંપાળતો ત્યારે ખુદના દિલ પર મણિકા જેવડો પથ્થર રાખીને ઈવાને ભરપૂર જીવનની આશા પણ બંધાવતો!
રેડીએશન પછી ઈવાની તબિયત માં ઘણો જ સુધારો જણાયો.
વળી પાછું ધીમે ધીમે ઘરનું વાતાવરણ ઈવાની સાથે સાથે માનસિક સ્વસ્થતા ધારણ કરતું જતું હતું.આર્ષ પણ હવે ત્રણ વર્ષનો થવા આવ્યો. એટલે એ પણ સતત” મમ્મા, મમ્મા ” કરી ઈવાને સહેજ પણ છોડતો ન હતો. કોરોના વાઇરસે પણ એ વખતે માઝા મૂકી હતી. દિનબદિન વધતા કોરોનાનાં કેસથી ઘરનાં સ્વજનોએ ઈવાની અને પૌત્ર સહિત બધાની ખૂબ કાળજી રાખવા લાગ્યાં.થોડાં દિવસ તો ઈવાની તબિયતમાં બધું ખૂબ સરસ ચાલ્યું! છએક મહિના પછી ઈવાને ખૂબ વીકનેસ લાગવા માંડી. ફરીથી પોતાના કેન્સર નિષ્ણાત ડોક્ટરને બતાવવા માં આવ્યું. પેટસ્કેન રિપોર્ટમાં સમગ્ર શરીરને કેન્સરે ભરડામાં લઈ લીધું છે!એવું સાબિત થયું!..
(વધુ આવતા અંકે…..)
– વર્ષા જાની.