નવજાત શિશુને પોલિઓની રસીના બે ટીંપા પીવડાવી જિલ્લા કક્ષાના પોલિયો અભિયાનની શરૂઆત

109

આજથી સમગ્ર રાજ્યમાં બાળ લકવા નાબૂદી માટે અસરકારક એવા પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત થઇ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ તેની શરૂઆત સોનગઢ ખાતે આવેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવજાત શિશુને પોલિયોના બે ટીપા પીવડાવીને કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા કક્ષાના પોલિયો વિરોધી રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતનું ભવિષ્ય લડખડાય કે ખોડંગાય તે કોઈપણ સંજોગોમાં ચાલે નહીં.

આવતીકાલના ?ભારતને સક્ષમ,મજબૂત અને સશક્ત બનાવવા માટે ભારતના ભાવિ નાગરિક એવાં બાળકોને પણ સક્ષમ બનાવવા જરૂરી છે. આ રસીથી બાળ લકવા સામે મજબૂત રક્ષણ મળે છે, ત્યારે સમાજની તમામ વ્યક્તિઓ આગળ આવીને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા અવશ્ય પીવડાવે તેવી તેમણે અપીલ પણ કરી હતી. આજથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને આવરી લેવા અને તમામ પ્રજાજનોએ પોતાનું બાળક અપંગ ન બને તે માટે જાગૃત રહેવાની પ્રમુખએ વિસ્તૃત સમજ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નિયમિત અંતરાલે યોજાતાં પોલિયો વિરોધી રસીકરણ અભિયાનને પરિણામે ૦ થી ૫ વર્ષની વયજૂથના બાળકોમાં વર્ષઃ૨૦૦૭ પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલ નથી. પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના બાળકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને ૨૭ મી ફેબ્રુઆરીના રોજ ’પલ્સ પોલિયો રવિવારે’ ગુજરાતમાં ૭૫ લાખ થી વધુ બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચ જ આપવામાં આવનાર છે. આ અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે. જે અંતર્ગત રાજયમાં કુલ ૩૮,૩૯૫ બુથનું આયોજન કરીને ૭૪૬૫ સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે ૧,૫૮,૮૬૧ જેટલા આરોગ્ય કર્મીઓ સેવાઓ આપશે. રાજયના તમામ વિસ્તારો અને બાળકો રક્ષિત કરવા માટે વાડી વિસ્તાર, અંતરીયાળ વિસ્તાર, દરીયાઈ વિસ્તાર વગેરે માટે ૨૯૩૪ મોબાઈલ ટીમો બનાવવામાં આવેલ છે અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે ૨૪૪૯ ટ્રાન્ઝીટ ટીમોની પણ મદદ લેવામાં આવનાર છે. પોલિયો અભિયાનના સફળ અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ કલેકટરની આગેવાની નીચે જિલ્લા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. કોર્પોરેશન કક્ષાએ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની નીચે કોર્પોરેશન ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ દરેક જિલ્લામાં વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરી તાલુકાઓની જવાબદારી સોં૫વામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢના ડૉ. મિલનભાઈ ઉપાધ્યાય, ડૉ. વિજયભાઈ મહેતા, ડૉ. આરતીબેન બસીયા, સુપરવાઇઝરો સર્વ વિક્રમભાઈ પરમાર, મંજુબેન મોરડીયા, સંજયભાઈ પરમાર, ભરતભાઈ મોરી તથા ફાર્માસિસ્ટ સુરેશભાઈએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા પંચાયત ભાવનગર આરોગ્ય શાખાના પ્રતિકભાઇ ઓઝાએ કર્યુ હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડ, પી. એચ.એન. મીનાક્ષીબેન રાય, તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનસ્વીનીબેન માલવિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત સહિતનો સ્ટાફ આ તબક્કે ઉપસ્થિત રહ્યો હતો.

Previous articleકોમી એકતા સાથે ઘોઘામાં હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ ઉજવાયો
Next articleભાવનગર જિલ્લામાંથી કોરોનાની વિદાય, બીજા દિવસે પણ એકપણ કેસ ન નોંધાયો