નવી દિલ્હી તા.૧
કાર્બન ઉત્સર્જનમાં કાપ નહીં મુકાવાના સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ભારત સહિતના દેશોમાં લોકો અત્યધિક ગરમી અને ભેજ સહન નહીં કરી શકે અને અનેક રીતે પડકાર ઉભા થશે.જલવાયુ પરિવર્તનના ખતરા વિશે સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરગવર્નમેન્ટલ પેનલના નવા રીપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે ગરમી તથા ભેજનો વધારો માનવીઓ માટે અસહ્ય હશે. ભારત સહિતના કેટલાક દેશોને હવામાનની આ ખતરનાક પરીસ્થિતિનો સામનો કરવો પડે તેમ છે.આ રીપોર્ટમાં ’વેટ બલ્બ તાપમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં તાપમાનની ગણતરી વખતે ગરમી અને ભેજને જોડવામાં આવે છે. માનવી માટે ૩૧ ડીગ્રી સેલ્સીયસનો વેટ બલ્બ અત્યંત ખતરનાક છે. ૩૫ ડીગ્રીમાં તે છાયડામાં આરામ કરતા તંદુરસ્ત માણસ માટે પણ છ કલાકથી વધુ સમય જીવિત રહેવાનું મુશ્કેલ થઈ જાય છે. રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે હાલ ભારતમાં ભાગ્યે જ વેટ ઓછા તાપમાન ૩૧ ડીગ્રીથી વધુ નોંધાય છે. હાલ તે ૨૫થી૩૦ ડીગ્રી રહે છે. કાર્બન ઉત્સર્જનમાં કાપ ન મુકાય તો ટુંકાગાળામાં ખતરનાક સ્તરે પહોંચી શકે છે એટલું જ નહીં, નિયત ટારગેટ મુજબ ઘટાડો થાય તો પણ ઉતરીય તથા કાંઠાળ ભાગમાં તે ૩૧ ડીગ્રી સુધી પહોંચી શકે છે.રીપોર્ટમાં એવી ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે કાર્બન ઉત્સર્જનમાં વર્તમાન દરે વૃદ્ધિ જારી રહેવાના સંજોગોમાં ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં વેટ બલ્બ તાપમાન ૩૫ ડીગ્રીના સ્તરે પહોંચી જશે.આઘાતજનક બાબત એ છે કે કાર્બન ઉત્સર્જનની વૃદ્ધિ જારી રહેવાના સંજોગોમાં સૌથી વધુ પ્રભાવિત પટણા અને લખનૌ જશે જયાં વેટ બલ્બ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચી જશે. આ સિવાય ભુવનેશ્ર્વર, ચેન્નઈ, મુંબઈ, ઈન્દોર તથા અમદાવાદમાં વેટ બલ્બ તાપમાન ૩૨થી૩૪ ડીગ્રી થવાનું અનુમાન છે. રીપોર્ટ પ્રમાણે આસામ, મેઘાલય, ત્રિપુરા, પશ્ર્ચીમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડીસા, છતીસગઢ, ઉતરપ્રદેશ, હરિયાણા તથા પંજાબ સૌથી વધુ પ્રભાવિત થશે. ગરમી-ભેજની સાથોસાથ સમુદ્રની વધતી સપાટી પણ પડકારજનક હશે. કાર્બન ઉત્સર્જનમાં ટારગેટ મુજબ કાપ મુકાવાના સંજોગોમાં પણ દરિયાની સપાટીમાં ૪૪થી૭૬ સેન્ટીમીટરનો વધારો થવાનું અનુમાન છે. ઉત્સર્જનમાં મોટો કાપ આવે તો દરિયાઈ લેવલ ૨૮થી૫૫ સેમી વધશે. સમુદ્ર સ્તર વધવાના સંજોગોમાં વધુ વિસ્તારો ડુબવા લાગશે. નિયમિત રીતે વારંવાર પુર સ્થિતિ સર્જાશે અને આસપાસની જમીનમાં બેસી પણ નહીં થઈ શકે. ભારતમાં સમુદ્રસ્તર વધવાના તથા પુરના બનાવો વધુ હશે. સમગ્ર દુનિયામાં સૌથી વધુ આર્થિક માર ભારતને લાગશે. ટારગેટ મુજબ ઉત્સર્જન ઘટવાના સંજોગોમાં પણ ૨૪ અબજ ડોલરનો આર્થિક માર પડશે. ઉત્સર્જન વધુ રહે તો ૩૬ અબજ ડોલરનું નુકશાન થશે. માત્ર મુંબઈમાં સમુદ્રસ્તર વધવાથી ૨૦૫૦ સુધીમાં પ્રતિવર્ષ ૧૬૨ અબજ ડોલરનું નુકશાન થશે.આબોહવા પરિવર્તનના આ દોરથી કૃષિ ઉત્પાદનમાં કાપ આવશે. ૨૦૫૦ સુધીમાં ૪૦ ટકા લોકોને પીવાના પાણીનો સામનો કરવો પડશે. જે સંખ્યા હાલ ૩૩ ટકા છે. કેટલાંક ભાગોમાં ચોખાના ઉત્પાદનમાં ૩૦ ટકા તથા મકાઈના ઉત્પાદનમાં ૭૦ ટકાનો કાપ આવી શકે છે.