ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં ભાજપે ઝંપલાવી એડીચોટીનું જોર લગાવતા શરૂઆતથી જ ચૂંટણી જંગ જામ્યો હતો. આજે મતદાન ગણતરી વેળા કોણ જીત્યું અને કોણ હાર્યું તે જાણવા જિલ્લાભરમાં ઉત્કંઠા જોવા મળી હતી.
જાણે વિધાનસભાની ચૂંટણી હોય તેવો માહોલ ઉભો થયો હતો. આજ સવારથી જ મત ગણતરી કેન્દ્ર ખાતે ભાજપ-કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતાં. શહેરમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલી મત ગણતરીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત જાળવ્યો હતો. જેમ-જેમ પરિણામ જાહેર થતું ગયું તેમ તેમ વિજયોત્સવ સાથે વિજેતાઓ પર અભિનંદનની વર્ષા થતી જોવા મળી હતી. ભાવનગર સહકારી બેંકની ચૂંટણીમાં અગાઉ આવો માહોલ ભાગ્યે જ જોવા મળ્યો હતો.